Maharashtra New CM News: આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. આજે મુંબઈમાં મહાયુતિ ગઠબંધનના ધારાસભ્યોની બેઠક થવાની છે. ભાજપ પણ તેના ધારાસભ્ય દળના નેતાને ચૂંટવા માટે બેઠક કરવાનું છે. જેને લઈને પાર્ટીના કેન્દ્રીય પર્યવેક્ષક પણ મુંબઈ પહોંચી ગયા છે. આ બેઠક પર નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 12 દિવસથી મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે, ભાજપ ફડણવીસને સત્તા સોંપે છે કે પછી કોઈ નવા ચહેરાને તક મળી શકે છે.
અગાઉ, મહારાષ્ટ્ર ભાજપના પર્યવેક્ષક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બુધવારના રોજ સવારે 11 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે. અમે ત્યાં ચર્ચા-વિચારણા કરીશું. તે બાદ સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતાને ચૂંટવામાં આવશે. નામ પહેલા પહેલા હાઇકમાન્ડને જાણ કરાશે. ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.
