Maharashtra Auto Driver Marathi Rule: મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણય બાદ રાજ્યભરમાં રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. નિયમના વિરોધમાં ઓટો ચાલક યુનિયનો દ્વારા ત્રણ દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવતાં જ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે એક મહત્ત્વપૂર્ણ એલાન કરીને ચાલકોને મોટી રાહત આપી છે.
સમયમર્યાદા પહેલા દંડ ફટકારશો તો અધિકારીઓ સામે પગલાં
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે મરાઠી ભાષા શીખવા માટે આપવામાં આવેલા એક મહિનાના સમયગાળા પહેલા જો કોઈ RTO અધિકારી ઓટો કે ટેક્સી ચાલક પર ગેરકાયદેસર રીતે દંડ ફટકારતો માલૂમ પડશે, તો તે અધિકારી સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. સરકારનો આદેશ નિયમોનું પાલન કરાવવાનો છે, ચાલકોનું શોષણ કરવાનો નથી.
દોઢ લાખથી વધુ ચાલકો સ્વૈચ્છિક રીતે મરાઠી શીખી રહ્યા છે
પરિવહન વિભાગના આંકડા ટાંકીને મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અંદાજે 1,65,600 જેટલા બિન-મરાઠી ઓટો અને ટેક્સી ડ્રાઇવરોએ સ્વૈચ્છિક રીતે મરાઠી ભાષાના વર્ગોમાં નોંધણી કરાવી છે અને તેઓ મરાઠી શીખી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જે ચાલકો સહકાર આપી રહ્યા છે તેમને પૂરતો સમય આપવામાં આવશે, પરંતુ જેઓ જાણી જોઈને નિયમનો અનાદર કરશે તેમની સામે નિયમાનુસાર જ કાર્યવાહી કરવામાં આવશે.
શું છે ભાષા ફરજિયાત કરવાનો આખો નિયમ?
પરિવહન વિભાગના 12 ઓગસ્ટના જાહેરનામા (GR) મુજબ-
પ્રથમ તબક્કો: જે ઓટો-ટેક્સી ચાલકોને બોલચાલની મરાઠી આવડતી નથી, તેમને RTO દ્વારા 1 મહિનાની નોટિસ આપી ભાષા શીખવા માટે સમય આપવામાં આવે છે.
બીજો તબક્કો: જો 1 મહિના પછી પણ ચાલક ભાષા શીખવામાં અસમર્થ રહે, તો તેનો લાયસન્સ અને બેજ સસ્પેન્ડ કરી વધુ 3 મહિનાનો સમય અપાય છે.
આખરી તબક્કો: કુલ 4 મહિનાનો સમયગાળો પૂરો થયા બાદ પણ જો ચાલક મરાઠી શીખવામાં નિષ્ફળ રહે, તો જ લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે.
નિયમ પર રાજકારણ ગરમાયું
સરકારના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં જ શિવસેનાના નેતા સંજય નિરૂપમે પરિવહન મંત્રી સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી કે, નિયમ મુજબ એક મહિનાની નોટિસ આપ્યા વગર RTO અધિકારીઓ ઓટો ચાલકો પાસે ₹25,000 સુધીનો ભારે દંડ વસૂલી રહ્યા છે, જેના પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. આ રજૂઆત બાદ પરિવહન મંત્રીએ અધિકારીઓની મનમાની સામે આકરી ચેતવણી આપી છે.
