Maharashtra News: મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટીમ (ATS) દ્વારા મુંબઈના માહિમ મેટ્રો સ્ટેશન નજીકથી આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' (JeM) સાથે જોડાણ હોવાની શંકાના આધારે એક રેપિડો ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ઝડપાયેલા આ શંકાસ્પદ આરોપીની ઓળખ મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા મોહમ્મદ હસન અબૂ સરમદ અખ્તર તરીકે થઈ છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી રેપિડો ડ્રાઇવર અને અત્તર વેચવાના કામની આડમાં ઉગ્રવાદી અને કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરી રહ્યો હતો તથા પાકિસ્તાની ગુપ્તચર તંત્રના સતત સંપર્કમાં હતો. 'ઇન્ડિયન મુસ્લિમ' નામના ટેલિગ્રામ ગ્રૂપમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરની બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરતી ઓડિયો ક્લિપ શેર કરીને તેણે ધાર્મિક નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે 'IBN E Qasim' નામના કટ્ટરપંથી પાકિસ્તાની ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાયેલો હતો. આરોપી મોહમ્મદ હસન અબૂ સરમદ અખ્તર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઈન્સ્ટાગ્રામ પર પણ ભડકાઉ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરતો હતો. તેણે 'હવે જિહાદનો જમાનો આવી ગયો છે' જેવી વાતો લખીને લોકોને હિંસા ભડકાવવા અને જિહાદ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
તાજેતરમાં વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ પહેલા સુરક્ષામાં ચૂક અંગે પણ તેણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તેમજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અંગે પણ આપત્તિજનક કોમેન્ટ કરી હતી. કાર્યવાહી દરમિયાન ATS અધિકારીઓએ અખ્તર પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેની સોશિયલ મીડિયા ગતિવિધિઓના 39 સ્ક્રીનશોટ તપાસ અર્થે સુરક્ષિત રાખ્યા છે. વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાવવાના આરોપસર અખ્તર સામે 'ભારતીય ન્યાય સંહિતા' કલમ 196 (1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
IANS અહેવાલ મુજબ, અખ્તરના એક પડોશીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 3 થી 3.5 વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતો હતો. પડોશીએ ઉમેર્યું કે તે દિવસે અત્તર વેચતો અને રાત્રે અન્ય જગ્યાએ કામ કરતો હતો, જેથી તે આવું કૃત્ય કરી શકે તેવી ક્યારેય આશંકા નહોતી. જોકે, પડોશીએ એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ દેશ સાથે ગદ્દારી કરે તો તેને સખતમાં સખત સજા મળવી જ જોઈએ.
