Madhya Pradesh:મધ્ય પ્રદેશના સિવની જિલ્લા નજીક મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે.આ ઘટનામાં આશરે 10 લોકો હતા. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક 4 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતા.
માહિતી પ્રમાણે આ ઘટના જૈન મહોલ્લાના એક જ્વેલરના નિવાસ સ્થાને સર્જાઈ હતી. સવારે આશરે 4 વાગે કે જ્યારે પૂરો પરિવાર ઊંઘમાં હતા, ત્યારે ઓચિંતા જ આગ ભડકી ઉઠી હતી.
થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી અને ધુમાડો અને આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે હાજર એસડીઓપી અપૂર્વ ભલવીએ ફોન પર જણાવ્યું હતું કે બુલિયન વેપારીના ત્રણ માળના મકાનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ દ્વારા ખૂબ જ મહેનત બાદ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી છે.
તેમણે કહ્યું કે ઘરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અત્યારે તો જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
