Madhya Pradesh Food Poisoning: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આવેલા કિર્નાપુર વિસ્તારના હિરી ગામમાં એક સ્થાનિક મેળા દરમિયાન ફાસ્ટ ફૂડ ખાધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે રાત્રે મેળામાં લાગેલા 'હર્ષિત ફાસ્ટ ફૂડ' નામના સ્ટોલ પરથી ચૌમીન અને મંચુરિયન ખાધા પછી 118 બાળકો સહિત કુલ 130 લોકોની તબિયત લથડી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને તંત્ર દોડતું થયું હતું.
હોસ્પિટલમાં અફરાતફરી, તમામ દર્દીઓ જોખમની બહાર
ચૌમીન અને મંચુરિયન ખાધા બાદ બાળકો અને પુખ્ત વયના લોકોને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થતાં તાત્કાલિક કિર્નાપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ 61 બાળકોની હાલત સુધરતા તેમને રજા આપવામાં આવી હતી, જ્યારે વધુ સારવારની જરૂર જણાતા 45 બાળકો અને 12 પુખ્ત વયના લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
રાત્રે 1:00 વાગ્યા બાદ એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા જિલ્લા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) ડૉ. શત્રુઘ્ન સિંહ દહિયાએ જણાવ્યું હતું કે, ડોક્ટરોના મતે આ ઘટના 'ફૂડ પોઈઝનિંગ'ને કારણે બની છે. હાલમાં 45 બાળકો પેડિયાટ્રિક વોર્ડમાં અને 12 પુખ્ત વયના લોકો મેડિકલ વોર્ડમાં સારવાર હેઠળ છે. તમામ દર્દીઓ જોખમની બહાર છે અને ટૂંક સમયમાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. રવિવારે સવારે જિલ્લા કલેક્ટર આદિત્ય સિંહ અને એસપી મલય જૈને હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ અને તેમના પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા.
લાયસન્સ વગર 12 વર્ષથી ચાલતો હતો ધંધો; નમૂના લેબમાં મોકલાયા
ફૂડ સેફ્ટી ઓફિસર યોગેશ ડોંગરેએ માહિતી આપતા જણાવ્યું કે, કિર્નાપુર પોલીસે સ્ટોલના માલિક અને કંદ્રીકલાનના રહેવાસી ચંદ્રકુમાર ભોંગાડેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ચંદ્રકુમાર છેલ્લા 12 વર્ષથી વિવિધ મેળાઓ અને બજારોમાં 'હર્ષિત ફાસ્ટ ફૂડ'ના નામે ચૌમીન-નૂડલ્સ વેચતો હતો, પરંતુ તેની પાસે કોઈ માન્ય ફૂડ લાયસન્સ જ નહોતું. હાલ ફૂડ વિભાગે સ્ટોલ પરથી નૂડલ્સ, ચૌમીન, તેલ, મસાલા અને સોસના નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
