Madhya Pradesh Gwalior Truck Accident: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નવરાત્રિની આરાધના વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાના સુમારે ગ્વાલિયરમાં આવેલ પ્રસિદ્ધ શીતલા માતા મંદિર નજીક ડાંગર (ધાન)થી ભરેલો એક બેકાબૂ ટ્રક શ્રદ્ધાળુઓ પર ફરી વળ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 29થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ચીસિયારીઓ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ બેરિકેડ્સ તોડી ટ્રક મંદિરના ગેટ સાથે અથડાયો
ગ્વાલિયરના એસએસપી (SSP) ધરમવીર સિંહે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિ તહેવાર નિમિત્તે મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો શીતલા માતા મંદિર દર્શન અર્થે જઈ રહ્યા હતા. ચીનોર તરફથી આવતા રસ્તા પર એક તીવ્ર ઢાળ છે, જ્યાં સુરક્ષાના કારણોસર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આમ છતાં, ઓવરલોડ ડાંગર ભરેલો એક ટ્રક પોલીસના બેરિકેડ્સ તોડીને અચાનક બેકાબૂ બની ગયો હતો. ઢાળ પરથી પુરપાટ ઝડપે નીચે ઉતરેલો આ ટ્રક મંદિરની બહારની દીવાલ અને મુખ્ય દરવાજા સાથે ધડાકાભેર અથડાયો હતો. આ દરમિયાન રસ્તા પર ચાલી રહેલા શ્રદ્ધાળુઓ અને અસ્થાયી દુકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્યાં સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
39 લોકોને હોસ્પિટલ ખસેડાયા
જિલ્લા કલેક્ટર રુચિકા ચૌહાણે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને રાહત ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કલેક્ટરે 12 લોકોના મોતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કુલ 39 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં 29 ઘાયલો પૈકી 5 થી 6 લોકોની હાલત અત્યંત નાજુક છે અને તેમને ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ આપવીતી જણાવતા કહ્યું કે, "રાત્રે 1:00 વાગ્યાના સુમારે ઓવરલોડ ટ્રક અચાનક ધસી આવ્યો હતો. તેણે રોડ સાઈડની દુકાનો અને ભક્તોને કચડી નાખ્યા હતા. મેં મારી આંખો સામે લોકોને દમ તોડતા જોયા છે."
તપાસના આદેશ: RTO ટીમ ટ્રકની મિકેનિકલ તપાસ કરશે
નવરાત્રિ જેવા સંવેદનશીલ સમયે પ્રતિબંધિત વિસ્તારમાં અને બેરિકેડ્સ હોવા છતાં આટલો મોટો ટ્રક કેવી રીતે પ્રવેશ્યો તે અંગે તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લા કલેક્ટરે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસના આદેશ આપ્યા છે. ટ્રકની બ્રેક ફેલ થઈ હતી કે અન્ય કોઈ યાંત્રિક ખામી હતી તે જાણવા માટે આરટીઓ (RTO)ની વિશેષ ટીમને મિકેનિકલ ઇન્સ્પેક્શન માટે તૈનાત કરવામાં આવી છે.
