લખનઉ: મલિહાબાદ-મોહન રોડ પર ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત; આઠ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

મલિહાબાદ-મોહન રોડ પર આવેલા પુરવા ગામ નજીક શનિવારે મોડી રાત્રે આશરે 1 વાગ્યે અકસ્માત સર્જાયો થયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 21 Nov 2026 07:03 PM (IST)Updated: Sat, 21 Nov 2026 07:03 PM (IST)
lucknow-malihabad-mohan-road-accident-three-dead-eight-injured-uttar-pradesh
AI Generated Image

Lucknow Road Accident: ઉત્તર પ્રદેશના લખનઉમાં મલિહાબાદ-મોહન રોડ પર શનિવારે મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા લોકોની મારુતિ ઓમની વાન અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બનાવમાં વાન ચાલક સહિત ત્રણ લોકોના મોત થયા, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કાર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.

લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા

મળતી માહિતી અનુસાર, ઉન્નાવ જિલ્લાના હસનગંજ વિસ્તારના કુઇયાંમદારપુર ગામના કેટલાક લોકો રહીમાબાદના દૌલતપુર ગામમાં લગ્ન સમારોહમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ મારુતિ ઓમની વાનમાં સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. વાનમાં ચાલક સહિત અનેક લોકો સવાર હતા.

રાત્રે પુરવા ગામ પાસે સર્જાયો અકસ્માત

આ દરમિયાન મોહાન તરફથી આવી રહેલી હોન્ડા સિટી કારેપુરવા ગામ નજીક વાનને સામેથી જોરદાર ટક્કર મારી હતી. વાનમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોરદાર ટક્કરથી મારુતિ ઓમની વાનનો કચ્ચરઘાણ વળી ગયો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

માતા-પુત્રી સહિત 3 લોકોના મોત થયા

વાનચાલક રામજી ઉર્ફે અમિત કુમાર અને 8 વર્ષીય પ્રિયાને મલિહાબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ પ્રિયાની માતા માયાદેવીએ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, આ ભયાનક અકસ્માતમાં માતા-પુત્રી સહિત કુલ 3 લોકોનાં મોત થયાં છે.

8 લોકો ઈજાગ્રસ્ત, કેટલાકની હાલત ગંભીર

આ અકસ્માતમાં સરોજ કુમારી, આનંદ, આશિક, દયાવતી, પ્રાચી, છોટુ, હર્ષચંદ અને દીપાંશી સહિત 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. વાનમાં સવાર આશિકે આરોપ લગાવ્યો કે હોન્ડા સિટી કારની સફેદ હેડલાઈટ અત્યંત તેજ હતી, જેના કારણે યોગ્ય રીતે દેખાતો નહોતો.

અકસ્માત બાદ કાર મૂકીને ચાલક ફરાર

અકસ્માત સર્જાયા બાદ હોન્ડા સિટી કારનો ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બંને વાહન કબજે લીધા છે અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિકની ઓળખ કરી છે. તપાસમાં કારના માલિકનું નામ કાસગંજના રહેવાસી મોહમ્મદ સુહેલ હોવાનું સામે આવ્યું છે. જોકે, કાર કોણ ચલાવી રહ્યું હતું તેની તપાસ ચાલી રહી છે.