LPU Violence Reddit Conspiracy: પંજાબના ફગવાડા સ્થિત જાણીતી 'લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી' (LPU) કેમ્પસમાં શનિવાર, 26 સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનામાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જાતીય સતામણી અને બળાત્કારની અફવાઓને પગલે વિદ્યાર્થીઓ દ્વારા મચાવવામાં આવેલો આ હોબાળો અચાનક નહીં, પરંતુ એક મોટો અને પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હતો.
રેડિટ (Reddit) મેસેજથી શરૂ થયો વિવાદ
પોલીસ તપાસ દરમિયાન એક એવો સોશિયલ મીડિયા સંદેશ હાથ લાગ્યો છે જે હિંસાના પાંચ દિવસ પહેલાં LPU ની ગર્લ્સ હોસ્ટેલમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'રેડિટ' પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. રેડિટ પરથી આ મેસેજ વાયરલ થઈને સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફેલાઈ ગયો હતો.
આ મેસેજમાં એવો ગંભીર દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્ટેલમાં એક વિદ્યાર્થિની પર બળાત્કાર થયો છે અને તેના બે દિવસ બાદ તે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓએ આ મેસેજ પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ પાંચ દિવસ પછી અચાનક એવું શું બન્યું કે વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા, તે દિશામાં સાયબર સેલ તપાસ કરી રહ્યું છે.
વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ અને હિંસક તોડફોડ
બળાત્કાર અને આત્મહત્યાની અફવા વાયરલ થતાં જ શનિવારની રાત્રે હજારો વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ નેશનલ હાઈવે જામ કરી દીધો હતો અને યુનિવર્સિટી કેમ્પસમાં ભારે તોડફોડ મચાવી હતી. હિંસા એટલી હદે વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી તથા મારામારીની ઘટનાઓ પણ ઘટી હતી.
યુનિવર્સિટીનો ઇનકાર અને સાયબર સેલની તપાસ
યુનિવર્સિટી પ્રશાસને બળાત્કાર અને આત્મહત્યાની તમામ વાતોને પાયાવિહોણી અફવા ગણાવીને સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. હાલમાં પોલીસ અને સાયબર સેલની ટીમ હોસ્ટેલમાંથી રેડિટ પર પ્રથમ વાર આ ખોટો મેસેજ પોસ્ટ કરનાર વ્યક્તિના IP એડ્રેસને ટ્રેસ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
