LPG Crisis In India: પત્નીએ ગેસનો બાટલો ના મળતા રાંધ્યું નહીં, ભૂખ્યા પતિએ મારઝૂડ કરીને ઘરમાંથી તગેડી મૂકી

દેવરિયામાં ગેસનો બાટલો ખાલી થઈ જતા પતિને નવું સિલિન્ડર લઈ આવવું કહેતા પત્નીને ગાળો ભાંડી. બૂમો સાંભળીને દોડી આવેલ સાસુ અને નણંદે પણ પતિનું ઉપરાણું લઈને પરિણીતાને ઝૂડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 03:45 PM (IST)Updated: Sun, 15 Mar 2026 03:45 PM (IST)
lpg-crisis-in-india-gas-cylinder-shortage-triggers-family-fights-domestic-violence-cases-surface-in-up
HIGHLIGHTS
  • ગેસનો બાટલો લેવા એજન્સીના ધક્કા ખાવા છતાં સિલિન્ડર મળતું નથી

LPG Crisis In India: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સમગ્ર દેશભરમાં ગેસના બાટલાની તીવ્ર અછત વર્તાઈ રહી છે. સરકાર ભલે દાવા કરતી હોય, પરંતુ આજે પણ ગેસ એજન્સીઓની બહાર બાટલા લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. જો કે હવે ગેસનો સપ્લાય ખોરવાતા ઘરેલુ હિંસાના બનાવો સામે આવવા લાગ્યા છે. દેશમાં ઘણાં ઘરોમાં ગેસના બાટલાને લઈને પતિ-પત્નીઓ વચ્ચે માથાકૂટ થવા લાગી છે, ત્યારે આવા જ કેટલાક કિસ્સાઓ ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યા છે.

જમવાનું ના મળતા વિફરેલા પતિએ પત્નીને ઝૂડી નાંખી (Domestic Violence)

પહેલો કિસ્સો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીંના પિપરસંડ ગામમાં રહેતો મનિષકુમાર શનિવારે બપોરના સમયે પોતાના ઘરે જમવા પહોંચ્યો હતો. જો કે ઘરમાં ઘણાં દિવસથી ગેસનું સિલિન્ડર ખાલી થઈ ગયું હતુ, તેમજ લાકડા પણ પતી ગયા હતા.

આથી પત્ની જ્યોતિએ જમવાનું નહતું બનાવ્યું. જ્યારે મનિષ બપોરે ઘરે આવ્યો, ત્યારે જમવાનું હાજર ના હોવાથી તે વિફર્યો હતો અને પત્ની સાથે મારઝૂડ કરીને તેને ઘરની બહાર તગેડી મૂકી.

આ મામલે પોલીસની પૂછપરછમાં પતિએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણાં દિવસોથી ગેસનો બાટલો લેવા માટે એજન્સીના ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ એજન્સી પર લાંબી લાઈનો હોવાથી મને ગેસ નથી મળતો. હાલ તો પોલીસે પત્નીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

'ગેસનો બાટલો લઈને આવો'- કહેતા પતિ, સાસુ અને નણંદ પરિણીતા પર તૂટી પડ્યા (LPG Shortage India)

આવો જ અન્ય એક બનાવ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના કરૌદી ગામમાંથી આવ્યો છે. જેમાં પરિણીતા ગીતાદેવી નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે.

ગીતાદેવીએ જણાવ્યું કે, ઘરમાં ગેસનો બાટલો પતી ગયો હતો. આથી તેણે પતિને નવો સિલિન્ડર લઈને આવવા માટે કહ્યું હતુ. આથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી-ગંદી ગાળો ભાંડવા લાગ્યો હતો. આથી ગાળો બોલવાની ના પાડતા પતિએ પત્ની પર હાથ ઉપાડ્યો હતો.

ગીતાદેવીની બૂમો સાંભળીને સાસુ અને નણંદ પર દોડી આવ્યા હતા. જો કે તેમણે પણ પતિને સાથ આપીને ગીતાદેવી સાથે હાથાપાઈ કરી હતી. આખરે ગીતાદેવીએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.