LPG Shortage India: મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં સર્જાયેલી અવરોધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની એનર્જી સિક્યોરિટીને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલમાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ નિક્કેઈ એશિયા (Nikkei Asia)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દુનિયાનો ત્રીજો સૌથી મોટો એલપીજી કન્ઝ્યુમર એટલે કે ભારત, હાલના દિવસોમાં દરરોજ 4 લાખ બેરલ એલપીજીની ભારે અછતનો સામનો કરી રહ્યો છે.
ચોમેરથી ઊઠી રહેલા સવાલો અને દેશમાં અફરાતફરીનો માહોલ સર્જાય તે પહેલાં જ હવે ભારત સરકારે આ હડકંપ મચાવનારા અહેવાલ પર સત્તાવાર સ્પષ્ટતા કરી છે અને દેશમાં સપ્લાયની સાચી સ્થિતિ જાહેર કરી દીધી છે.
સરકારે તમામ દાવા ફગાવ્યા, કહ્યું- સ્થિતિ બિલકુલ સામાન્ય છે
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દેશમાં એલપીજીની અછત હોવાના અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે- ભારત પાસે એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીં, પરંતુ આપણા સ્થાનિક ઉત્પાદન (Domestic LPG Production)માં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે હવે વધીને પ્રતિદિન આશરે 46,000 થી 47,000 ટન સુધી પહોંચી ગયું છે.
સરકારી આંકડાઓનો હવાલો આપતાં તેમણે ઉમેર્યું કે, દેશમાં રાંધણ ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે. છેલ્લા ત્રણ દિવસમાં જ દેશભરમાં 1.32 કરોડ સિલિન્ડર બુકિંગની સામે 1.34 કરોડ ઘરેલું એલપીજી સિલિન્ડરોની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. આ આંકડા સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પણ પ્રકારની કટોકટી નથી.
શું હતો નિક્કેઈ એશિયાના રિપોર્ટનો દાવો?
નિક્કેઈ એશિયાએ એનર્જી કાર્ગો ટ્રેકર 'કેપ્લર' (Kpler)ના ડેટાને ટાંકીને દાવો કર્યો હતો કે, એપ્રિલ મહિનામાં ભારતની એલપીજી આયાત (LPG Import) ઘટીને માત્ર 377,620 બેરલ પ્રતિ દિવસ રહી ગઈ છે, જે ફેબ્રુઆરી મહિનામાં 851,870 બેરલ પ્રતિ દિવસ હતી.
નોંધનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 60 ટકા એલપીજી અન્ય દેશોમાંથી આયાત કરે છે અને આ ઈમ્પોર્ટનો આશરે 90 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગેથી ભારત આવે છે, જ્યાં હાલ તણાવની સ્થિતિ છે.
સપ્લાય ચેઈન તૂટતી બચાવવા ભારતનો ‘પ્લાન-બી’ સુપરહિટ
હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અડચણોને પગલે ભારતે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક પોતાના 'પ્લાન-બી' (Plan-B) પર કામ શરૂ કરી દીધું હતું. નવી દિલ્હીએ માત્ર મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભર રહેવાને બદલે આયાતના સ્ત્રોતોમાં મોટો બદલાવ કર્યો છે. ભારતે હવે ઈરાન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ચિલી જેવા વૈકલ્પિક દેશો પાસેથી એલપીજીની ખરીદી શરૂ કરી દીધી છે.
જો કે, ઓસ્ટ્રેલિયાથી ગેસ કાર્ગો ભારત પહોંચવામાં 20 દિવસ અને અમેરિકા કે આર્જેન્ટિનાથી આવવામાં 35 થી 45 દિવસ જેટલો લાંબો સમય લાગે છે, પરંતુ સરકારના આ એડવાન્સ પ્લાનિંગના કારણે દેશની સપ્લાય ચેઈન ખોરવાતા બચી ગઈ છે. આ ઉપરાંત ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવા અને સિલિન્ડર બુકિંગની ટાઈમલાઈનમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
ભાવ વધારાથી ગ્રાહકો પ્રભાવિત, ઓઇલ કંપનીઓએ આપી સલાહ
દેશમાં ગેસની કોઈ અછત ભલે ન હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારની હલચલને કારણે ગ્રાહકોના ખિસ્સા પર બોજ જરૂર વધ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ઘરેલું એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ના ભાવમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો કરીને 1 મે 2026ના રોજ તેને સીધો 993 રૂપિયા મોંઘો કરી દેવામાં આવ્યો હતો.
HPCLએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કરી ખાસ અપીલ
દેશની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપની HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) એ પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછતની અફવાઓ પર મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, ઈંધણ પુરવઠામાં અવરોધના અહેવાલો સંપૂર્ણપણે ભ્રામક છે. તમામ પેટ્રોલ પંપો અને ગેસ એજન્સીઓ પર સપ્લાય એકદમ નોર્મલ છે. કંપનીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહે અને કોઈપણ પ્રકારનું પેનિક બાઇંગ ન કરે.
