જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલો: બિન-સ્થાનિક મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર, છત્તીસગઢના 1 મજૂરનું મોત અને 1 ઘાયલ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈંટના ભઠ્ઠા પર કામ કરતા બે બિન-સ્થાનિક મજૂરો પર રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 01 Aug 2026 07:08 AM (IST)Updated: Sat, 01 Aug 2026 07:10 AM (IST)
kulgam-terror-attack-non-local-labourer-killed-one-injured-jammu-kashmir
કુલગામ આતંકવાદી હુમલો

Jammu and Kashmir Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોના કડક બંદોબસ્ત વચ્ચે આતંકવાદીઓએ ફરી એકવાર કાયરાના હુમલો કરીને બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ નિર્દયી હુમલામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ સ્વીકારી છે.

છત્તીસગઢના રહેવાસી હતા બંને મજૂરો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈંટના ભઠ્ઠા પર કામ કરતા બે બિન-સ્થાનિક મજૂરો પર રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારનો અવાજ સંભળાતા જ આસપાસના લોકો અને સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બંને ઘાયલોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 24 વર્ષીય દીપક રાત્રે (પિતા: ઉમાશંકર રાત્રે, રહે. છત્તીસગઢ) ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજા 28 વર્ષીય ભોપિંદર (પિતા: દશરથ, રહે. છત્તીસગઢ) ને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે GMC અનંતનાગ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

સમગ્ર વિસ્તાર ઘેરી લેવાયો

ઘટના બાદ તુરંત જ જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPF ના જવાનોએ સમગ્ર કેલ્લામ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતાં જણાવ્યું કે, તેમણે ડીજીપી નલિન પ્રભાત અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરીને આતંકવાદીઓ સામે કાર્યવાહી વધુ ઝડપી બનાવવા અને જવાબદારોને વહેલી તકે ખતમ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ખાતરી આપી હતી કે આખું રાષ્ટ્ર પિડીત પરિવારની સાથે ઊભું છે.

દસ દિવસમાં બીજો મોટો હુમલો

દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રાને કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર હોવા છતાં આ હુમલો થયો છે. અનંતનાગ શહેરમાં એક પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના દસ દિવસની અંદર જ આ બીજો ટાર્ગેટેડ એટેક સામે આવ્યો છે. આ અગાઉ વર્ષ ૨૦૨૪ ના ફેબ્રુઆરી મહિનામાં પણ શ્રીનગરના શહીદ ગંજ વિસ્તારમાં પંજાબના બે મજૂરોની આતંકીઓએ હત્યા કરી હતી.