આસામના કાજીરંગામાં ભીષણ અકસ્માત; ટ્રક અને ટ્રાવેલર વચ્ચેની ટક્કરમાં અનેક મુસાફરોના મોત, સીએમ સરમાએ વ્યક્ત કર્યું દુઃખ

આસામના ગોલાઘાટ જિલ્લામાં કાજીરંગા પાસે NH-715 પર તેજ ગતિ ટ્રાવેલર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે, રાહત કામગીરી ચાલુ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 13 Nov 2026 06:11 PM (IST)Updated: Fri, 13 Nov 2026 06:58 PM (IST)
kaziranga-accident-many-dead-in-minibus-truck-collision

Kaziranga Accident: આસામના પ્રખ્યાત કાજીરંગા નેશનલ પાર્ક પાસેથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શુક્રવાર બપોરે નેશનલ હાઈવે 71 પર રોંગાજન વિસ્તારમાં એક ટ્રાવેલર (મિની બસ) અને ટ્રક વચ્ચે સામસામે થયેલી ભયાનક ટક્કરમાં અનેક લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અસંખ્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મિની બસમાં 40 મુસાફરો સવાર હતા

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ ટ્રાવેલર આસામના જોરહાટથી ગુવાહાટી તરફ જઈ રહી હતી અને તેમાં આશરે 40 જેટલા મુસાફરો સવાર હતા. કાજીરંગાની કોહોરા રેન્જમાં આવેલા હાથીકુલી ટી એસ્ટેટ પાસે રોંગાજન વિસ્તારમાં પહોંચતા જ વિપરીત દિશામાંથી આવી રહેલા એક ભારે ટ્રેલર ટ્રક સાથે મિની બસ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસના આગળના ભાગના પડખા ઉડી ગયા હતા અને વાહન મુસાફરોની ચીસાચીસ વચ્ચે ક્ષતિગ્રસ્ત થઈને પલટી ગયું હતું.

મૃત્યુઆંક વધવાની શક્યતા

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિકારી સ્વપ્નનીલ ડેકાએ એજન્સીને જણાવ્યું હતું કે- શરૂઆતી રિપોર્ટ્સ મુજબ આ ભીષણ હાદસામાં ઓછામાં ઓછા 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી શબ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની પૂરી સંભાવના છે.

બીજી બાજુ, ઘટનાસ્થળે પહોંચેલા કેબિનેટ મંત્રી અતુલ બોરાએ દાવો કર્યો છે કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમને મળેલા પ્રારંભિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં આશરે 20 જેટલા લોકોના મોત નિપજ્યા છે. બસની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે અંદાજ લગાવી શકાય છે કે મિની બસ ફુલસ્પીડમાં હતી અને ડ્રાઈવર વાહન પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક ધોરણે નજીકની કોહોરા મોડેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અનેક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે, જેથી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોલાઘાટ જિલ્લાના જિલ્લા કલેક્ટર (ડીસી) બિસ્વજીત ફુકન પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વ્યક્ત કરી ઊંડી સંવેદના

આ કરૂણ દુર્ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદનમાં તેમણે જણાવ્યું કે- આજ રોજ કાજીરંગામાં થયેલી આ અત્યંત દુઃદાયક દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. આ અપાર નુકસાનથી આપણે સૌ હચમચી ગયા છીએ. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ છે. કોઈ પણ શબ્દો તેમના આંસુ કે પીડાને ઓછી નહીં કરી શકે, પરંતુ તેઓ આ મુશ્કેલ સમયમાં એકલા નથી; આખો આસામ તેમની સાથે ઊભો છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા ઘાયલોને તાત્કાલિક ઉત્તમ તબીબી સહાય પૂરી પાડવાની છે. મંત્રી અતુલ બોરા જાતે ઘટનાસ્થળે હાજર રહીને રાહત અને બચાવ કાર્યોની દેખરેખ રાખી રહ્યા છે.