Jodhpur Handicraft Factory Fire: રાજસ્થાનના જોધપુરમાં બુધવારે રાત્રે હેન્ડીક્રાફ્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક કેમિકલ ટેન્ક ફાટી ગઈ હતી. આ બનાવમાં 10થી વધુ ફાયર ફાઈટરો દાઝી ગયા, જેમાંથી 8 જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને જોધપુર સ્થિત AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જોધપુરમાં હેન્ડીક્રાફ્ટ ફેક્ટરીમાં વિકરાળ આગ
રાજસ્થાનના જોધપુર સ્થિત બાસની ઔદ્યોગિક વિસ્તારમાં બુધવારે રાત્રે એક હેન્ડીક્રાફ્ટ ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે ત્રણ કલાકની ભારે જહેમત છતાં પણ તેના પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નહોતો. ઘટના સમયે ફેક્ટરી બંધ હતી અને તેને તાળું મારેલું હતું તેવી માહિતી જિલ્લા કલેક્ટર આલોક રંજને આપી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી.
કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ થતા ફાયર જવાનો દાઝ્યા
ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ ફેક્ટરીની અંદર રાખવામાં આવેલી એક કેમિકલ ટેન્ક અચાનક ફાટી ગઈ હતી. આ ટેન્ક ફાટવાથી 10થી વધુ ફાયર ફાઇટરો દાઝી ગયા હતા. PTI રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 ફાયર ફાઈટરો ઘાયલ થયા છે, જેમાંથી 8 જવાનોની સ્થિતિ ગંભીર છે. ઈજાગ્રસ્ત તમામ જવાનોને તાત્કાલિક જોધપુર AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
વિસ્તાર ખાલી કર્યો, મોડી રાત સુધી રેસ્ક્યૂ કામગીરી
મળતી માહિતી મુજબ, આ ફેક્ટરી રહેણાંક વિસ્તારની વચ્ચે ચલાવવામાં આવી રહી હતી. આગની ભયાનક જ્વાળાઓને કારણે આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. સાવચેતીના પગલારૂપે આસપાસના ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ રહ્યું હતું.
