Jharkhand Student Protest: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC)ની ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગરબડી અને અનિયમિતતાઓ સામે વિદ્યાર્થીઓનું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આંદોલનના 17મા દિવસે હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રાંચીમાં ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો.
રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળ અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે રવિવારે યોજાયેલી ત્રીજા તબક્કાની વાટાઘાટો પણ નિષ્ફળ રહી હતી. વિદ્યાર્થીઓની મુખ્ય બે માંગણીઓ પર સહમતિ ન સધાતાં આજે હજારો વિદ્યાર્થીઓ અને ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
બેરિકેડિંગ રોકી ન શકી: ખેતરના રસ્તેથી ગેટ નં-1 સુધી પહોંચ્યા વિદ્યાર્થીઓ
રાંચી પોલીસે વિદ્યાર્થીઓને વિધાનસભા તરફ જતાં રોકવા માટે ભારે બેરિકેડિંગ કરી હતી અને મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા. જોકે, રોષે ભરાયેલા આંદોલનકારીઓએ અલગ રસ્તો અપનાવ્યો હતો અને ખેતરો વચ્ચેના રસ્તેથી થઈને વિધાનસભાના ગેટ નંબર-1 સુધી પહોંચી ગયા હતા.
વિધાનસભાના ગેટ નંબર-1 પર હજારો વિદ્યાર્થીઓના હુજુમે ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અચાનક આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થઈ જતાં ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
વોટર કેનન, ટીયર ગેસ અને લાઠીચાર્જ: રાંચી રણમેદાન બન્યું
વિધાનસભા તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને અટકાવવા માટે પોલીસે સૌપ્રથમ શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પરંતુ આક્રોશિત વિદ્યાર્થીઓએ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે હળવો બળપ્રયોગ, વોટર કેનનનો ઉપયોગ અને ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. પોલીસ લાઠીચાર્જ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલો પૈકી એક યુવકને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સામસામે થયેલા ઘર્ષણમાં કેટલાક આંદોલનકારીઓ તરફથી બુટ-ચંપલ અને પથ્થરમારો થતાં એક પોલીસકર્મીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઝારખંડના તમામ જિલ્લાઓમાંથી વધારાનો પોલીસ કાફલો તાત્કાલિક રાંચી પહોંચવા આદેશ અપાયો છે.
શું અમે આતંકવાદી છીએ?- વિદ્યાર્થીઓનો આક્રોશ
વિધાનસભા માર્ચમાં જોડાયેલા યુવાનોએ તંત્ર અને પોલીસની કડક કાર્યવાહી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો- અમે રાજ્યના ભવિષ્ય છીએ. રાંચી પહોંચતા પહેલા અમને અનેક જગ્યાએ રોકવામાં આવ્યા, બસો અટકાવી દેવાઈ અને બાઇકોનું કડક ચેકિંગ કરાયું. અમારી ગાડીઓના નંબર નોંધીને અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરાયો. શું અમે આતંકવાદી છીએ? હેમંત સોરેન સરકારે આનો જવાબ આપવો પડશે. જ્યાં સુધી CBI તપાસના આદેશ નહીં મળે, અમે અહીંથી હટીશું નહીં.
આંદોલનમાં અસામાજિક તત્વો ઘૂસ્યા': વિદ્યાર્થી નેતાની સ્પષ્ટતા
વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પથ્થરમારા અંગે વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું- અમારું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને બંધારણીય છે. કેટલાક અસામાજિક તત્વો આ આંદોલનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે પોલીસ અને પ્રશાસનને અપીલ કરીએ છીએ કે CCTV ફૂટેજ અને વીડિયો કેમેરાની તપાસ કરીને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે. અમારા સ્વયંસેવકો પણ આ અસામાજિક તત્વોની ઓળખ કરી રહ્યા છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ ઐતિહાસિક આંદોલનની ગંભીરતા સમજીને આજે જ યોગ્ય નિર્ણય લેવામાં આવે.
વિપક્ષનો સરકાર પર પ્રહાર
વિદ્યાર્થીઓના આ આંદોલનને ભાજપનું સમર્થન મળ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ અને ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરીને મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે- JPSC અને JSSCમાં મોટું કૌભાંડ થયું છે. ઝારખંડના યુવાનોના ભવિષ્ય સાથે થઈ રહેલી રમતને સહન કરવામાં નહીં આવે. ભાજપ આ યુવાનોના હક માટે તેમની સાથે મજબૂતીથી ઊભી છે અને પૂરા કૌભાંડની CBI તપાસ ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે.
