Jagdeep Dhankhar Pension: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે પેન્શન માટે અરજી કરી છે. તેમણે સ્વાસ્થ્યનું કારણ આપીને તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યું હતું. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાજીનામું આપ્યા પછી ધનખર કોઈ જાહેર કાર્યક્રમમાં કે અન્ય કોઈ કાર્યક્રમમાં દેખાયા નથી અને તેમનું કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી.
જગદીપ ધનખરને પેન્શન સહિત કઈ સુવિધાઓ મળશે
જગદીપ ધનખરે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી છે. તેઓ 1993 થી 1998 સુધી કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર તેમણે વિધાનસભા સચિવાલયમાં પેન્શન માટે અરજી કરી છે અને તેની સ્વીકૃતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નિયમો અને જોગવાઈઓ અનુસાર તેમને 42,000 આસપાસ રૂપિયાનું પેન્શન મળશે. આ ઉપરાંત તેમને પૂર્વ ધારાસભ્યોને મળતી અન્ય સુવિધાઓ પણ પ્રાપ્ત થશે.
જગદીપ ધનખર રાજીનામું આપ્યા બાદ શું કરી રહ્યા છે
ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખર હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. તેમની દિનચર્યાથી વાકેફ લોકોએ જણાવ્યું કે તેઓ નિયમિત રીતે યોગાભ્યાસ કરે છે અને ટેબલ ટેનિસ રમે છે. ઓગસ્ટ 2022 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલા, જ્યારે ધનખર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે તેમણે શોખથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.