વીમાધારકો માટે મોટા સમાચાર: હેલ્થ અને મોટર ઈન્સ્યોરન્સ થશે સસ્તા! એજન્ટોના કમિશન પર લગામ લગાવવાની તૈયારીમાં સરકાર

પ્રસ્તાવિત નિયમો મુજબ, સ્વાસ્થ્ય વીમાના પ્રથમ વર્ષમાં વિતરકોને મળતું 40% સુધીનું કમિશન ઘટાડીને 15% અને એજન્ટો માટે 20% કરવાનો પ્રસ્તાવ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 25 Sep 2026 07:27 AM (IST)Updated: Fri, 25 Sep 2026 07:27 AM (IST)
irdai-proposes-reduction-in-health-and-motor-insurance-commission-cheaper-premiums
IRDAI વીમા કમિશન ડ્રાફ્ટ

IRDAI Insurance Commission Draft: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ દેશના વીમા ક્ષેત્રને વધુ પારદર્શક બનાવવા અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઘટાડવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ ખરડો બહાર પાડ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ મોટર અને સ્વાસ્થ્ય વીમામાં વિતરકો તથા એજન્ટોના કમિશનમાં મોટો ઘટાડો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેંકો કે ડીલરો દ્વારા લોન સાથે બિનજરૂરી વીમા પ્રોડક્ટ્સના 'મિસ-સેલિંગ' સામે પણ રેગ્યુલેટરે કડક વલણ અપનાવ્યું છે.

સ્વાસ્થ્ય અને મોટર વીમા કમિશનમાં સૂચવિત કાપ

પ્રસ્તાવિત નિયમો મુજબ, સ્વાસ્થ્ય વીમાના પ્રથમ વર્ષમાં વિતરકોને મળતું 40% સુધીનું કમિશન ઘટાડીને 15% અને એજન્ટો માટે 20% કરવાનો પ્રસ્તાવ છે. પોલિસી રિન્યુઅલ સમયે પણ કમિશન 10-15% થી ઘટાડીને વિતરકો માટે 5% અને એજન્ટો માટે 10% કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ, મોટર વીમા પ્રીમિયમમાં પારદર્શિતા લાવવા માટે કાર ડીલરો અને બ્રોકરોના કમિશનને 15% સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે. નાણાકીય વર્ષ 2025માં મોટર વીમાના 29,000 કરોડના પ્રીમિયમમાંથી 7,050 કરોડ રૂપિયા માત્ર કમિશન પેટે ચૂકવાયા હતા, જેમાં ઘણી વખત ગ્રાહકો પાસેથી 50% સુધીનું કમિશન વસૂલાતું હતું.

‘બીમા સુગમ’ પોર્ટલ દ્વારા સીધી ખરીદીની સુવિધા

ગ્રાહકોને કમિશનના ખર્ચમાંથી બચાવવા માટે IRDAI એ તમામ કાર ડીલરો માટે સ્કેનર મૂકવું ફરજિયાત બનાવ્યું છે. ગ્રાહકો આ ક્યુઆર કોડ સ્કેન કરીને ‘બીમા સુગમ’ (Bima Sugam) પોર્ટલ પરથી સીધો થર્ડ-પાર્ટી વીમો ખરીદી શકશે. ડીલરોએ પણ ગ્રાહકોને આ પોર્ટલ વિશે માહિતગાર કરવા પડશે.

IRDAI એ આ ડ્રાફ્ટ પર સંબંધિત પક્ષો પાસે ૨૫ ઓક્ટોબર સુધીમાં સૂચનો અને મંતવ્યો માંગ્યા છે. આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને સસ્તા પ્રીમિયમનો સીધો ફાયદો મળશે.