દિશા સાલિયાન કેસની તપાસ SITને સોંપાઈ, પેરેન્ટ્સે કહ્યું- શું તેનાથી તેમની દીકરી પાછી આવી જશે?

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 22 Dec 2022 11:22 PM (IST)Updated: Thu, 22 Dec 2022 11:22 PM (IST)
investigation-of-disha-salian-case-handed-over-to-sit

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિશા સાલિયાનની મોતનો મામલો ફરી એકવખત ચર્ચામાં આવ્યો છે. ભાજપ અને શિંદે જૂથના ધારાસભ્યોએ વિધાનસભામાં દિશા સાલિયાનની મોતનો મુદ્દો ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ આ મામલે SIT તપાસના આદેશ આપી દીધા છે. જો કે દિશાના માતા-પિતા આ તપાસને લઈને ખાસ ઉત્સાહિત નથી.

દિશા સાલિયાનના માતા-પિતાએ સવાલ કર્યા કે હવે આ બધું કેમ થઈ રહ્યું છે? શું SIT તેમની દીકરીને પરત લાવશે? આ કેસને મુંબઈ પોલીસ પહેલાંજ બંધ કરી ચુકી છે. ઘણી તપાસ કરવામાં આવી છે, તો પછી હવે કેમ. અમે નિરાંતે જીવી રહ્યાં છીએ હવે ફરીથી આ બધું કેમ થઈ રહ્યું છે. અમે માત્ર એક જ સવાલ પૂછવા માગીએ છીએ કે શું આનાથી અમારી દીકરી પાછી આવશે. અમને શાંતિથી રહેવા દો. જો કે તેમણે ઓન રેકોર્ડ કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલેએ દિશા સાલિયાન મોતનો મુદ્દો ઉઠાવ્યો અને તપાસની માગ કરી. જે બાદ ગૃહમાં ઘણો જ હોબાળો થયો. નિતેશ રાણેએ કહ્યું કે સાંસદ રાહુલ શેવાલે લોકસભામાં માગ કરી કે જે AU નામની વ્યક્તિ છે તે આદિત્ય ઠાકરે છે. તેમણે રિયા ચક્રવર્તીને 45 કોલ કર્યા, અમે પહેલાં દિવસથી જણાવી રહ્યાં છીએ કે સુશાંત સિંહ અને દિશા સાલિયાન મામલામાં આદિત્ય ઠાકરેનું નામ છે. તેમણે આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માગ કરી.

ભાજપના ધારાસભ્યએ કહ્યું કે બિહાર પોલીસે પણ પોતાની તપાસમાં આદિત્ય ઠાકરેનું નામ લીધું છે, કોર્ટમાં પણ આ અંગે ઉલ્લેખ થયો છે કે મુખ્યમંત્રીના પુત્ર આ કેસમાં ઈનવોલ્વ હતા. આટલું બધું થયા બાદ હવે સત્ય બહાર આવવું જોઈએ. જેમ શ્રદ્ધા વૉલ્કર મર્ડર પછી આફતાબના નાર્કો કર્યા બાદ સત્ય બહાર આવ્યું તેવી જ રીતે દિશા સાલિયાન અને સુશાંત હત્યા પછી આદિત્યના પણ નાર્કો થવા જોઈએ. A ફોર આફતાબ, A ફોર આદિત્ય ઠાકરેનું સત્ય બહાર આવશે.

ડેપ્યુટી CMએ તપાસના આદેશ આપ્યા
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે જૂથના ધારાસભ્યની માગ પછી ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે દિશા સાલિયાન કેસમાં SIT તપાસના આદેશ આપ્યા. તેમણે અપીલ કરી કે જો કોઈની પાસે આ કેસ સાથે જોડાયેલાં પુરાવા છે તો તેઓ SITને સોંપે. જેને લઈને આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે સરકાર પર પ્રહારો કર્યા.

આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ આ આરોપો પર કહ્યું- ભ્રષ્ટ CMને બચાવવા માટે આવા આરોપ લગાડવામાં આવી રહ્યાં છે. શું રાજનીતિમાં કોઈ મર્યાદા નથી? આ પ્રકારની રાજનીતિ આપણાં વિધાનભવનમાં ક્યારેય નથી થઈ, આ લોકોના જવાન પુત્ર-પુત્રી પણ છે. શું તેઓ પણ પોતાના બાળકોની સાથે આવું જ કરશે? આ એક સરમુખત્યારશાહી છે. આદિત્યએ કહ્યું કે 32 વર્ષના યુવાને આવી ખોખલી સરકારને હલબલાવી દીધી છે.

કોણ હતી દિશા સાલિયાન?
દિશા સાલિયાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. પોલીસના જણાવ્યા મુજબ 8 જૂન, 2020ની રાત્રે દિશા સાલિયાને બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તો 14 જૂને સુશાંત સિંહે પોતાના ઘરમાં મૃત મળી આવ્યો. જે બાદથી બંનેના મોતને લઈને અનેક અટકળો લગાડવામાં આવી રહી છે.