Indian Railway Rules: આજકાલ સ્માર્ટફોન અને સસ્તા ઇન્ટરનેટના જમાનામાં ટ્રેનમાં સફર કરતી વખતે મોટેથી રીલ્સ જોવી, સ્પીકર પર ગીતો વગાડવા કે જોર-જોરથી ફોન પર વાતો કરવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ હવે જો તમે પણ ટ્રેનમાં આવી ભૂલ કરશો, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે અને જેલની હવામાં પણ ખાવી પડી શકે છે.
ભારતીય રેલવેના દક્ષિણ રેલવે (Southern Railway) ઝોને મુસાફરોની શાંતિ અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક કડક પરિપત્ર જાહેર કર્યો છે. આ નવા નિયમ મુજબ, ટ્રેન કે રેલવે સ્ટેશન પરિસરમાં અન્ય મુસાફરોને બિનજરૂરી અવાજથી હેરાન કરનારા લોકો સામે સીધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રથમ ભૂલ પર ₹1000નો દંડ અને ટ્રેનમાંથી બહાર!
નવા નિયમો અનુસાર, જો કોઈ મુસાફર ટ્રેન કે સ્ટેશન પર સ્પીકર પર વિડિયો કે ગીતો વગાડતો પકડાશે, તો તેને સ્થળ પર જ ₹1,000 સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, રેલવે પાસે તે મુસાફરને ટ્રેન કે સ્ટેશન પરિસરમાંથી બહાર કાઢી મૂકવાની પણ સત્તા રહેશે.
આ કાર્યવાહી કરવાની સત્તા ટ્રેનમાં હાજર ટીટીઈ (TTE) અને વાણિજ્ય વિભાગ (Commercial Department)ના સિનિયર અધિકારીઓને આપવામાં આવી છે.
વારંવાર નિયમ તોડશો તો ₹5000 દંડ અને 6 મહિનાની જેલ
જન વિશ્વાસ અધિનિયમ હેઠળ સુધારેલા રેલવે એક્ટ (Railway Act) મુજબ-
જો કોઈ મુસાફર અધિકારીઓની સૂચના કે ચેતવણી છતાં નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે છે, તો તેને ₹5,000 સુધીનો ભારે દંડ થઈ શકે છે.
ગંભીર કિસ્સામાં મુસાફરને 6 મહિના સુધીની જેલની સજા અથવા દંડ અને જેલ બંને એકસાથે થઈ શકે છે.
અન્ય ઝોન અને મેટ્રોમાં પણ લાગુ થશે નિયમ
અધિકારીઓના જણાવ્યા મુજબ, દક્ષિણ રેલવે બાદ હવે આ નિયમ ટૂંક સમયમાં જ દેશના અન્ય રેલવે ઝોન અને મેટ્રો રેલ નેટવર્કમાં પણ કડક રીતે લાગુ કરવામાં આવશે. મેટ્રોના હાલના નિયમોમાં પણ સહ-મુસાફરોને ત્રાસ આપનાર વ્યક્તિ પર દંડ ફટકારવાની અને તેને કોચમાંથી બહાર કરવાનો જોગવાઈ છે જ.
રેલવે ચલાવશે જાગૃતિ અભિયાન
કાર્યવાહીની સાથે સાથે રેલવે મુસાફરોને જાગૃત કરવા માટે સ્ટેશનો અને ટ્રેનમાં હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં માઈક પર એનાઉન્સમેન્ટ કરશે.
રેલવેની મુસાફરોને ખાસ અપ
- ટ્રેનમાં વિડિયો કે મ્યુઝિક સાંભળવા માટે ફરજિયાત ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરો.
- રાત્રિના કે મુસાફરી દરમિયાન ફોન પર જોર-જોરથી વાતો કરવાનું ટાળો.
- અન્ય મુસાફરોની શાંતિ અને ઊંઘમાં ખલેલ ન પહોંચાડો.
