બંગાળની ખાડીમાં વાવાઝોડાની હેટ્રીક, ચક્રવાત 'અકવાન' ત્રાટકી શકે: કોલકાતા સહિત દક્ષિણ બંગાળમાં વરસાદની આગાહી

આગામી એક મહિનામાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાય અને દક્ષિણ બંગાળમાં વરસાદની શક્યતા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 09:33 PM (IST)Updated: Sat, 14 Nov 2026 09:33 PM (IST)
india-weather-and-cyclone-akwan-forecast-bay-of-bengal-west-bengal-rain-alert-14-november
AI Generated Image

Cyclone Akwan Forecast: બંગાળની ખાડીમાં 'અર્નબ' અને 'મુરાસુ' વાવાઝોડા બાદ ત્રીજું ચક્રવાત 'અકવાન' (Akwan) આકાર લે તેવી ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે, જેના કારણે કોલકાતા સહિત દક્ષિણ બંગાળમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાંથી એક પછી એક ઉદ્ભવતા વાવાઝોડાએ હવામાનશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે અને તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

ક્યારે ત્રાટકી શકે ચક્રવાત 'અકવાન'?

કોલકાતા સ્થિત અલીપુર હવામાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે સર્જાયેલું લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ સિસ્ટમ 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં 'અકવાન' ચક્રવાતનું રૂપ ધારણ કરેતેવી પૂરેપૂરી શક્યતા છે. આ વાવાઝોડાની અસર હેઠળ આગામી સપ્તાહ દરમિયાન કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે.

એક મહિનાની અંદર જ ત્રીજું ચક્રવાત

હવામાનશાસ્ત્રી ગણેશ કુમાર દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક જ ચક્રવાતી સીઝનમાં 3 વાવાઝોડા સર્જાવા એ અસામાન્ય નથી. વર્ષ 2023 માં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન હમૂન, મિધિલી અને મિચૌંગ નામના 3 ચક્રવાત સર્જાયા હતા. જોકે, તે સમયે આ વાવાઝોડા વચ્ચે પૂરતો સમયગાળો હતો. પરંતુ આ વર્ષે 3 વાવાઝોડા વચ્ચેનો સમયગાળો અત્યંત ઓછો હોવાથી હવામાનશાસ્ત્રીઓ પણ આશ્ચર્યચકિત થયા છે.

13 વર્ષ પહેલાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે 'હેલેન' અને 'લેહર' નામના વાવાઝોડા માત્ર 6 દિવસના અંતરાલમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા હતા. ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આવેલું 'અર્નબ' અને નવેમ્બરની શરૂઆતમાં આવેલું 'મુરાસુ' બાદ એક મહિનાની અંદર ત્રીજું ચક્રવાત 'અકવાન' વિકસિત થવાની શક્યતા છે. નોંધનીય છે કે, 'અર્નબ' અને 'મુરાસુ' વાવાઝોડા વચ્ચે માત્ર 6 દિવસનો જ તફાવત રહ્યો હતો.

સતત ચક્રવાત સર્જાવાનું મુખ્ય કારણ શું?

હવામાનશાસ્ત્રી ગણેશ કુમાર દાસે સ્પષ્ટતા કરી કે, સમુદ્રની સપાટીનું અસામાન્ય રીતે ગરમ થવું એ ચક્રવાત સર્જાવાનું મુખ્ય કારણ છે. વાતાવરણમાં પૂરતો ભેજ, ઊંચાઈ સાથે પવનની ઝડપ અને દિશામાં ઓછો તફાવત તેમજ અનુકૂળ ઉપરી વાતાવરણીય પરિસ્થિતિ પણ વાવાઝોડું બનવામાં મદદરૂપ થાય છે. હાલમાં બંગાળની ખાડીમાં લગભગ દરેક જગ્યાએ સમુદ્રની સપાટીનું તાપમાન સતત 28-29 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહ્યું છે.

વાવાઝોડાના ઉદ્ભવ માટે સમુદ્ર સપાટીનું મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી અનુકૂળ માનવામાં આવે છે. આ સિવાય અન્ય પરિબળો પણ ચક્રવાતને સપોર્ટ કરી રહ્યા છે. વાવાઝોડાં સતત મુવ કરે છે તેથી તેના કારણે થતાં ભારે વરસાદથી પણ તે ચોક્કસ સ્થળનું તાપમાન ખાસ ઘટી શકતું નથી, જેના કારણે ત્યાંથી બીજું વાવાઝોડું ઉદ્ભવવાની આશંકા સતત બનેલી રહે છે.

બંગાળની ખાડીમાં વધુ ચક્રવાતી ગતિવિધિ

અરબ સાગરની સરખામણીએ બંગાળની ખાડીમાં 4 ગણી વધુ ચક્રવાતી ગતિવિધિ નોંધાય છે. જેના માટે સમુદ્રની ભૌગોલિક બનાવટ, ગરમ પાણી, ભેજની ઉપલબ્ધતા અને વાતાવરણીય પરિસ્થિતિઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાડીમાં મોટા પ્રમાણમાં નદીઓનું મીઠું પાણી પહોંચે છે, જેના કારણે સમુદ્રના ઉપરી પડમાં ક્ષારતા અને તાપમાનનું વિતરણ પ્રભાવિત થાય છે. ઘણી પરિસ્થિતિમાં ઉપરી પડની નીચે રહેલું ગરમ પાણી વાવાઝોડાને સતત ઉર્જા પૂરી પાડતું રહે છે.