India UN Reply to Pakistan Shehbaz Sharif: સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી (UNGA) ના મંચ પરથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા કરવામાં આવેલા નિવેદનો અને ખોટા દાવાઓ સામે ભારતે આકરો અને જડબાતોડ જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે આતંકવાદ અને લોકશાહીના મુદ્દે પાકિસ્તાનની વાસ્તવિકતા વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
ઓસામા બિન લાદેન અને આતંકવાદનો મુદ્દો
પાકિસ્તાનના વડાપ્રધાનના ભાષણનો જવાબ આપતા પેટલ ગેહલોતે કહ્યું કે, "જનરલ એસેમ્બલીએ પાકિસ્તાનના પ્રતિનિધિ તરફથી કેટલાક વિચિત્ર દાવાઓ સાંભળ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ન્યૂયોર્ક શહેર અને સમગ્ર વિશ્વ ભયાનક 9/11 આતંકવાદી હુમલાની યાદો વચ્ચે જીવી રહ્યું છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આ સંદર્ભને ધ્યાનમાં રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે હુમલાનો માસ્ટરમાઇન્ડ, ઓસામા બિન લાદેન, પાકિસ્તાની સેનાની મુખ્ય એકેડેમીની બિલકુલ બાજુમાં રહેતો હતો. તે જ લશ્કરી સંસ્થા સામે આજે પાકિસ્તાનના પ્રતિનિધિ આદરપૂર્વક શીશ નમાવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના લોકો પોતે જેને 'ફોર્મ 47 સરકાર' કહે છે, તેની પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય."
સેનાની, સેના દ્વારા અને સેના માટેની સરકાર
પાકિસ્તાન દ્વારા લોકશાહી અને માનવ અધિકારો પર આપવામાં આવેલા ભાષણ પર કટાક્ષ કરતા ભારતીય કૂટનીતિજ્ઞે જણાવ્યું હતું કે, "અમે એવી સરકાર પાસેથી લોકશાહી અધિકારો અને માનવીય મૂલ્યો વિશે દંભી ટિપ્પણીઓ સાંભળી રહ્યા છીએ, જે હાલમાં પોતાની જ જનતા સામે પોતાની રાજધાનીને કિલ્લામાં ફેરવી રહી છે."
ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનમાં કઠપૂતળી નેતાઓ આવે અને જાય છે, પરંતુ વાસ્તવિક સત્તા સેના પાસે છે. પાકિસ્તાન સરકાર સેનાની છે, સેના દ્વારા છે અને સેના માટે જ કામ કરે છે. પાકિસ્તાનની વાસ્તવિકતા તેના ૨૭મા બંધારણીય સુધારા અને તેના સાચા શાસકોને આપેલી આજીવન મુક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે.
જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ
સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતી અળવીતરી ટિપ્પણીઓને ભારતે ફરી એકવાર સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતે પુનઃરોચ્ચાર કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યો છે, છે અને હંમેશા રહેશે.
