ભારત-ન્યુઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં: કાપડ, ચામડાની વસ્તુઓ પરથી આયાત શુલ્ક નાબૂદ; 20 અબજ ડોલરના રોકાણનો માર્ગ મોકળો

આ વૈશ્વિક વેપાર કરારને કારણે ખાસ કરીને ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે ચામડાની વસ્તુઓ, પગરખાં, વસ્ત્રો અને કાપડ ઉદ્યોગથી સંબંધિત તમામ ભારતીય ઉત્પાદનો પર ન્યુઝીલેન્ડમાં હવે કોઈ પણ પ્રકારનું આયાત શુલ્ક લાગશે નહીં.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 20 Oct 2026 09:14 AM (IST)Updated: Tue, 20 Oct 2026 09:14 AM (IST)
india-new-zealand-fta-comes-into-effect-zero-duty-export-piyush-goyal-jcb
ભારત-ન્યુઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

India New Zealand FTA: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) મંગળવાર, 20 ઓક્ટોબરથી વિધિવત રીતે અમલમાં આવી ગયો છે. આ કરાર અમલી બનતા જ ભારતીય નિકાસકારો માટે ન્યુઝીલેન્ડના બજારોમાં નવી અને વિશાળ તકોના દરવાજા ખુલ્યા છે. આ વૈશ્વિક વેપાર કરારને કારણે ખાસ કરીને ભારતના શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે ચામડાની વસ્તુઓ, પગરખાં, વસ્ત્રો અને કાપડ ઉદ્યોગથી સંબંધિત તમામ ભારતીય ઉત્પાદનો પર ન્યુઝીલેન્ડમાં હવે કોઈ પણ પ્રકારનું આયાત શુલ્ક લાગશે નહીં.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ કરાર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જશે. આ કરારથી ભારતીય ઉત્પાદનો ન્યુઝીલેન્ડના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. એટલું જ નહીં, આ સમજૂતીથી આગામી 15 વર્ષોમાં ન્યુઝીલેન્ડ તરફથી ભારતમાં આશરે 20 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવવાનો માર્ગ મોકળો થયો છે, જે દેશમાં રોજગારીની નવી તકો અને MSME ક્ષેત્રને મોટો વેગ આપશે.

ભારતમાંથી JCB મશીનરીની ન્યુઝીલેન્ડ ખાતે નિકાસ શરૂ

વેપાર કરારની શરૂઆત સાથે જ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કૌશલ્ય વિશ્વ સમક્ષ પ્રદર્શિત થયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 'JCB ઇન્ડિયા' દ્વારા પુણે પ્લાન્ટમાં ઉત્પાદિત કરવામાં આવેલા નાના એક્સકેવેટરના પ્રથમ કન્સાઇનમેન્ટને ન્યુઝીલેન્ડ માટે રવાના કર્યું હતું. આ વિશિષ્ટ હેવી બાંધકામ સાધન ભારત-ન્યુઝીલેન્ડ FTA હેઠળ નિકાસ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગોયલે નોંધ્યું હતું કે, JCB કંપની હાલમાં ભારતમાં થતા તેના કુલ ઉત્પાદનમાંથી 25 ટકા હિસ્સો વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરે છે, અને ન્યુઝીલેન્ડ હવે આ કંપનીની નિકાસ માટેનું 140મું સ્થળ બન્યું છે. કેન્દ્રીય મંત્રીએ કંપનીને આગામી સમયમાં ભારતીય પ્લાન્ટમાંથી નિકાસનો હિસ્સો વધારીને 50 ટકા સુધી લઈ જવાનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, કરાર હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજી આધારિત ભાગીદારી પણ સામેલ છે, જેથી ન્યુઝીલેન્ડની અદ્યતન ટેકનોલોજી ભારતની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરશે.

ખેડૂતોના હિતમાં સંવેદનશીલ ઉત્પાદનો કરારમાંથી બાકાત

ભારતના સ્થાનિક ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. વાણિજ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ડેરી ઉત્પાદનો (દૂધ, માખણ, ચીઝ), ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદામ, કૃત્રિમ મધ અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ મુક્ત વેપાર કરારમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે.

જોકે, મર્યાદિત માત્રા માટે વાણિજ્ય મંત્રાલયે 'ટેરિફ રેટ ક્વોટા' (TRQs) ની જોગવાઈ કરી છે, જેના હેઠળ સફરજન, કીવી, આલ્બ્યુમિન (પ્રોટીન) અને મનુકા મધ જેવી અમુક ચોક્કસ વસ્તુઓ નિયંત્રિત દરે આયાત કરી શકાશે.