Indigenous C295 Aircraft: ભારતીય વાયુસેનાને આગામી 31 ડિસેમ્બર સુધીમાં સ્વદેશી C295 ટ્રાન્સપોર્ટ વિમાન મળી શકે છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને એરબસ દ્વારા સંયુક્ત રીતે ભારતમાં નિર્મિત આ વિમાન ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા દેશમાં તૈયાર કરવામાં આવતું પ્રથમ સૈન્ય વિમાન હશે. વિમાનના અંતિમ ફ્લાઈટ ટેસ્ટ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વર્ષ 2026 ના અંત સુધી ડિલિવરીનું લક્ષ્ય
ભારતીય વાયુસેનાને પ્રથમ સ્વદેશી C295 ટ્રાન્સપોર્ટ વિમાન 31 ડિસેમ્બર સુધી મળી શકે છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસ આ વિમાનનું ભારતમાં સંયુક્ત રીતે ઉત્પાદન કરી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનના અંતિમ ઉડાન પરીક્ષણો અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. બંને કંપનીઓ વર્ષના અંત સુધીમાં તેની ડિલિવરી પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
₹21,935 કરોડનો ઐતિહાસિક કરાર થયો
આ વિમાન આગ્રા અથવા વડોદરા ખાતે આવેલા ભારતીય વાયુસેનાના 2 C295 સ્ક્વોડ્રન પૈકી કોઈ એકમાં સામેલ કરવામાં આવી શકે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સપ્ટેમ્બર 2021માં સંરક્ષણ મંત્રાલયે એરબસ સાથે 56 વિમાનો માટે ₹21,935 કરોડનો કરાર કર્યો હતો.
આ કરાર હેઠળ એરબસ સ્પેનમાંથી 16 વિમાનફ્લાયઅવે સ્થિતિમાં ભારતીય વાયુસેનાને સોંપી ચૂક્યું છે. જ્યારે બાકીના 40 વિમાનોનું ઉત્પાદન અને એસેમ્બલિંગ ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
પ્રથમ C295 વિમાનની ડિલિવરી અગાઉ સપ્ટેમ્બરના અંતમાં થવાની હતી, પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓ દૂર કરવાની પ્રક્રિયાને કારણે વિલંબ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકીના 39 વિમાનોની ડિલિવરી ઓગસ્ટ 2031 સુધીમાં ભારતીય વાયુસેનાને કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાની ક્ષમતામાં થશે વધારો
31 ઓક્ટોબરે વાયુસેનાના વડા તરીકે પદભાર સંભાળનાર એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત માટે આત્મનિર્ભરતા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. VAYU વિઝન હેઠળ તૈયારી, આત્મનિર્ભરતા, યુક્તિ અને પ્રયાસોમાં એકતા પર ભાર મૂક્યો છે. આગામી વર્ષે ભારતીય વાયુસેના ત્રીજા C295 સ્ક્વોડ્રનનું નિર્માણ શરૂ કરે તેવી અપેક્ષા છે. આ વિમાનો 1960ના દાયકાના જુના એવરો વિમાનોનું સ્થાન લેશે.
C295 ટ્રાન્સપોર્ટ વિમાનની મુખ્ય વિશેષતાઓ
સ્વદેશી ઉત્પાદન: C295 પ્રોજેક્ટ હેઠળ ભારતમાં 13,000થી વધુ પાર્ટ્સ અને 4,600 સબ-એસેમ્બલી તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે એન્જિન, લેન્ડિંગ ગિયર અને એવી ઓનિક્સ જેવા મહત્વના સાધનો એરબસ દ્વારા પૂરા પાડવામાં આવે છે.
ક્ષમતા અને ઝડપ: C295 વિમાન પ્રેટ એન્ડ વ્હિટનીના PW127G ટર્બોપ્રોપ એન્જિનથી સજ્જ છે. તેની મુખ્ય ક્ષમતામાં 9 ટન પેલોડ ક્ષમતા, 71 સૈનિકો અને 45 પેરાટ્રૂપર્સની ક્ષમતા તથા મહત્તમ ઝડપ 480 કિમી પ્રતિ કલાક હશે.
દુર્ગમ વિસ્તારોમાં પણ કામગીરી કરવાની ક્ષમતા
C295 વિમાન ટૂંકી અને કાચી હવાઈ પટ્ટી પરથી પણ ઉડાન તેમજ ઉતરાણ કરી શકે છે. આ ક્ષમતા તેને દુર્ગમ અને સરહદી વિસ્તારોમાં કામગીરી માટે ઉપયોગી બનાવે છે. આ વિમાનના પાછળના ભાગમાં વિશેષ રેમ્પ આપવામાં આવ્યો છે, જેના દ્વારા સૈનિકો અને લોજિસ્ટિક્સ સામગ્રીને પેરાશૂટ મારફતે નીચે ઉતારી શકાય છે. આ પ્રોજેક્ટ ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં સ્વદેશી ક્ષમતાને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
