BRICS Summit 2026 China Proposal: BRICS સમિટના સમાપન સત્ર દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એકીકૃત બજાર બનાવવા અને ઓપન-સોર્સ AI પ્લેટફોર્મ વિકસાવવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે, તે અંગે ભારતે અત્યંત સાવચેત અને શંકાસ્પદ વલણ અપનાવ્યું છે. ચીની ઉત્પાદનો અને ટેક્નોલોજીથી ભારતના સ્થાનિક ઉદ્યોગો તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને સંભવિત જોખમો અંગે ભારતના નીતિ-નિર્ધારકો ચિંતિત છે.
ભારતીય બજારો અને ટેક્નોલોજી પર સંભવિત અસર
ચીન આગામી બ્રિક્સ સમિટનું પ્રમુખપદ સંભાળવા જઈ રહ્યું હોવાથી, આવતા વર્ષના મુખ્ય કાર્યસૂચિમાં આ મુદ્દાઓ સામેલ કરવાનો પ્રયાસ કરશે. જોકે, ભારતમાં આ પ્રસ્તાવને ઉત્સાહજનક પ્રતિસાદ મળવાની શક્યતા નહિવત છે.
બ્રિક્સ લાંબા સમયથી મુક્ત વેપાર ક્ષેત્રમાં પરિવર્તિત થવાથી દૂર રહ્યું છે. જો ટેરિફમાં ઘટાડો કરીને બજારોનું એકીકરણ કરવામાં આવે, તો ભારતીય બજારો સુરક્ષાત્મક પગલાં વિના ચીની માલ અને કંપનીઓ માટે ખુલ્લાં થઈ જશે. આનાથી ભારતના સ્થાનિક ઉત્પાદકો અને સ્વદેશી ટેક્નોલોજી ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે. ચીની આયાત સામે માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા, જાપાન અને યુરોપિયન દેશો પણ પોતાની નિર્ભરતા ઘટાડવા સક્રિય છે.
RCEP માંથી બહાર નીકળવાનો અનુભવ અને નવી FTA વ્યૂહરચના
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2019 માં ચીનના વર્ચસ્વ અને ડમ્પિંગના ડરથી ભારતે 'રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ' (RCEP) માંથી બહાર નીકળવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતે પોતાની વેપાર વ્યૂહરચના બદલીને ઓસ્ટ્રેલિયા, UAE, UK, EU અને EFTA દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરીને આયાતમાં વિવિધતા આણી છે.
ચીની AI અને LLM મોડલ્સ સામે ભારતીય સુરક્ષા એજન્સીઓનો વાંધો
શી જિનપિંગના પાંચ-મુદ્દાના એજન્ડામાં ચીનના 'લાર્જ લેંગ્વેજ મોડલ્સ' (LLMs) અને AI પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાની વાત પણ સામેલ છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, આ પ્રસ્તાવ અન્ય દેશોના ડિજિટલ ડેટામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ હોઈ શકે છે. ભારતે અગાઉથી જ સુરક્ષાના કારણોસર અનેક ચીની એપ્સ અને હાર્ડવેર સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્થિતિમાં, ચીની AI પ્લેટફોર્મ સ્વીકારવાનો પ્રસ્તાવ ભારત માટે 'રેડ ફ્લેગ' સમાન છે.
