BrahMos Missile Export: ભારતની સંરક્ષણ ક્ષમતાઓનું મુખ્ય પ્રતીક ગણાતી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ હવે દેશની આર્થિક આવક અને આંતરરાષ્ટ્રીય સ્તરે લશ્કરી વગ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ભારત માટે અત્યંત લાભદાયી શસ્ત્ર પ્રણાલી તરીકે ઉભરી આવેલી બ્રહ્મોસ મિસાઇલોના વેચાણ માટે વિશ્વના ત્રણ દેશો સાથે 600 મિલિયન ડોલર (આશરે ₹58 અબજ)થી વધુના કરારને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ત્રણ દેશો સાથે બ્રહ્મોસ મિસાઈલના કરાર
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આપેલી માહિતી અનુસાર, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઇલોની ખરીદી માટે મહત્વપૂર્ણ કરાર થયા છે:
- ફિલિપાઇન્સ: આશરે 330 મિલિયન ડોલરનો કરાર થયો છે, જે અંતર્ગત મિસાઈલોની ડિલિવરી પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે.
- ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયા સાથે 200 મિલિયન ડોલરનો સોદો નક્કી કરવામાં આવ્યો છે.
- વિયેતનામ: વિયેતનામ સાથે 100 મિલિયન ડોલરના કરારને આખરી ઓપ અપાયો છે.
આ ગાઇડેડ મિસાઇલ સુપરસોનિક ગતિએ લક્ષ્ય પર સચોટ પ્રહાર કરે છે. આ મિસાઇલનું 'એર-લોન્ચ્ડ' (હવામાંથી છોડી શકાય તેવું) સંસ્કરણ પણ સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યું છે, જેનું સુખોઈ ફાઇટર જેટમાંથી સફળ પરીક્ષણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન બ્રહ્મોસે દુશ્મનના લક્ષ્યો પર સચોટ નિશાન સાધી પોતાની અચૂક પ્રહાર ક્ષમતા સાબિત કરી હતી.
ભારતની સંરક્ષણ નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રહ્મોસ માત્ર એક શસ્ત્ર નથી, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે ભારતની વિસ્તરતી આત્મનિર્ભરતાનું પ્રતીક છે. હાલમાં ભારતની સંરક્ષણ નિકાસ વિશ્વના 80 થી વધુ દેશો સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસનું કુલ મૂલ્ય વધીને ₹38,424 કરોડ થયું હતું, જે માત્ર એક જ વર્ષમાં 62 ટકાથી વધુનો વિક્રમી વૃદ્ધિ દર દર્શાવે છે.
80,000 કરોડના ખર્ચે 6 નવી સબમરીનનું નિર્માણ
ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા નૌકાદળના ગઠબંધન સામે પોતાની દરિયાઈ તાકાત અને સુરક્ષા કવચ મજબૂત કરવા માટે ભારતે મોટો નિર્ણય લીધો છે.
₹80,000 કરોડના વિશાળ ખર્ચે છ નવી સબમરીન બનાવવા માટે જર્મની સાથેનો કરાર હવે અંતિમ તબક્કામાં છે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ તમામ સબમરીનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ ઉપરાંત, મુંબઈના મઝાગોન ડોકયાર્ડ ખાતે વધુ ત્રણ 'સ્કોર્પીન-ક્લાસ' સબમરીનના નિર્માણ અંગે પણ ગંભીરતાથી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
