'દેશદ્રોહનો કેસ થવો જોઈએ', CEC મહાભિયોગ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગરજ્યા; જાણો ભાષણના મુખ્ય મુદ્દાઓ

INDIA ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે 'જન મહાભિયોગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 31 Oct 2026 09:41 PM (IST)Updated: Sat, 31 Oct 2026 09:41 PM (IST)
india-bloc-mock-parliament-rahul-gandhi-on-gyanesh-kumar-impeachment-sedition-case-sir-controversy

INDIA Bloc Mock Parliament: મતદાતા યાદીના વિશેષ સુધારણા (SIR) કાર્યક્રમમાં થયેલી કથિત અનિયમિતતા અને ચૂંટણી પંચના આંતરિક નિર્ણયો અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે વિપક્ષી INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલ્યો છે. INDIA ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે 'જન મહાભિયોગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ CEC મહાભિયોગ કાર્યક્રમ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડી બ્લોકના મોક પાર્લામેન્ટના સમાપન ભાષણમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, મતદાતા યાદીમાં મોટા પાયે અનિયમિતતા અને ગડબડી કરવામાં આવી છે. પોતાના નિવેદનમાં રાહુલે માંગ કરી હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે માત્ર મહાભિયોગ જ નહીં, પરંતુ દેશદ્રોહનો કેસ પણ ચલાવવો જોઈએ.

CEC સામે દેશદ્રોહ-મહાભિયોગની માંગ

મોક સંસદના આખરી ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ ચલાવવાની સાથે-સાથે દેશદ્રોહનો ગુનો પણ નોંધાવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ પાસે આ બાબતના પૂરતા અને મજબૂત પુરાવા ઉપલબ્ધ છે અને જ્ઞાનેશ કુમાર પોતાના પદ પર વધુ સમય ટકી શકશે નહીં.

લોકસભા ચૂંટણી 2024 ગેરકાયદેસર હતી

રાહુલ ગાંધીએ એક મોટો દાવો કરતાં જણાવ્યું કે, ચૂંટણી પંચના જ આંકડા અનુસાર 13.3 કરોડ મતદારો એટલે કે દર 7 માંથી 1 ભારતીય (આશરે 15%), તેમના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે તર્ક આપ્યો હતો કે વિતેલી લોકસભા ચૂંટણીમાં હાર અને જીત વચ્ચે તફાવત માત્ર 3% મતોનો જ હતો.

રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો કે જો 15% મતદારો એવા હતા જેમને વોટ આપવાનો અધિકાર ન હતો અથવા જેમના નામ હવે કાઢી નાખવામાં આવ્યા છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે 2024 ની ચૂંટણી ગેરકાયદેસર રીતે જીતવામાં આવી હતી અને ભાજપના સાંસદો ગેરકાયદેસર રીતે સંસદમાં પહોંચ્યા છે.

ભાષણમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ સિસ્ટમની ઓથમાં છુપાઈ શકશે નહીં. ચૂંટણી પંચના અધિકારીઓને કડક ચેતવણી આપતા કહ્યું કે જો જ્ઞાનેશ કુમાર અથવા તેમની નીચે કામ કરતા અધિકારીઓ એવું વિચારતા હોય કે તેમને કોઈ કાનૂની સંરક્ષણ કે ઇમ્યુનિટી બચાવી લેશે, તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અધિકારીઓ વિપક્ષના પ્રથમ નિશાના પર છે.

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ પર પ્રહાર

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો કે તે CBI, ED અને દેશની બાકી તમામ બંધારણીય સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરીને ચૂંટણીઓને પ્રભાવિત કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિપક્ષ આ પ્રકારની મનમાની સાંખી લેશે નહીં અને આ બધો એક અસ્થાયી તબક્કો છે જે ટૂંક સમયમાં જ પૂરો થઈ જશે.

પોતાના સંબોધનના અંતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ઈન્ડી ગઠબંધન એ માત્ર સાંસદો કે નેતાઓનો જમાવડો નથી, પરંતુ તે એક શક્તિશાળી 'રાજકીય હથિયાર' છે. તેમણે જાહેરાત કરી હતી કે દેશની જનતાનો મૂડ દર્શાવવા માટે ટૂંક સમયમાં જ દિલ્હીના રસ્તાઓ પર એક મોટું રાજકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.