New Delhi News: કોંગ્રેસ અને વિપક્ષી દળો દ્વારા દિલ્હીમાં યોજાયેલી 'મોક સંસદ' અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે કરેલા જન-મહાભિયોગના વિરોધમાં ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, દેશમાં પ્રથમ વોટ ચોરી પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં થઈ હતી. દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને મળેલા મતોની ચોરી કરીને જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા હતા.
વિપક્ષની મોક પાર્લામેન્ટમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ભાજપે મુદ્દાવાર જવાબ આપીને ફગાવી દીધા હતા. સંબિત પાત્રાએ જણાવ્યું કે, વિપક્ષ અને કોંગ્રેસે સંસદની ગરિમાનો મજાક બનાવી દીધો છે. મતદાતા યાદીની વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયાની પ્રશંસા ખુદ કોંગ્રેસ શાસિત રાજ્યો જેવા કે કર્ણાટક અને કેરળમાં થઈ રહી છે, પરંતુ દિલ્હીમાં બેસીને એવા સફેદ જૂઠ પુનરાવર્તિત કરવામાં આવી રહ્યા છે, જેના પર દેશની સુપ્રીમ કોર્ટમાં સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ થઈ ચૂકી છે.
આ પણ વાંચો
'અસલી સંસદમાં આ લોકો ઊંઘતા રહે છે': સંબિત પાત્રા
મોક પાર્લામેન્ટમાં હાજર રહેલા વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતાં સંબિત પાત્રાએ કહ્યું કે, વિપક્ષી નેતાઓ વાસ્તવિક સંસદમાં ઊંઘતા રહે છે, આંખ મારે છે અને હોબાળો મચાવે છે. અહીં સુધી કે લોકસભામાં નેતા વિપક્ષ જાતે જ ગૃહમાંથી ગેરહાજર રહે છે. મોક પાર્લામેન્ટનો સાચો અર્થ સંસદની મજાક ઉડાવવી થાય છે, અને વિપક્ષ બરાબર એ જ કામ કરી રહ્યો છે.
13 કરોડ વોટ કાપવાના આરોપ પર સ્પષ્ટતા
વિપક્ષ દ્વારા 13 કરોડ વોટરના નામ યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા હોવાના આરોપને પાયાવિહોણો ગણાવતા સંબિત પાત્રાએ કહ્યું કે, જો ખરેખર 13 કરોડ અસલી મતદારોના નામ કપાયા હોત, તો અત્યાર સુધીમાં તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોત. આંકડા આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે, 3 કરોડ લોકો મૃત્યુ પામેલા નાગરિકો છે. 6 કરોડ લોકો કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ચૂક્યા છે. 1 કરોડથી વધુ લોકો ડુપ્લિકેટ નામ ધરાવતા મતદારો છે.
દેશભરમાં 34 લાખ BLA અને BLO પ્રક્રિયા
સંબિત પાત્રાએ કડક શબ્દોમાં પ્રશ્ન કર્યો કે, દેશભરમાં કોંગ્રેસ અને વિપક્ષી દળોના 34 લાખ BLA (બુથ લેવલ એજન્ટ) તૈનાત છે. મતદાતા યાદીમાં થતો કોઈપણ ફેરફાર તેમની જાણમાં જ થાય છે, તો પછી શું તેઓ ઊંઘી રહ્યા હતા? જો વિપક્ષના કાર્યકરો ઊંઘતા જ રહ્યા હોય, તો રાહુલ ગાંધીએ અસલી સંસદમાં નહીં તો નકલી સંસદમાં પ્રધાનમંત્રી બનીને જ ખુશ થઈ જવું જોઈએ.
તેમણે BLO (બુથ લેવલ ઓફિસર) ની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, BLO દરેક મતદારના ઘરે ફોર્મ લઈને 3 વખત મુલાકાત લે છે. જો 3 મુલાકાત પછી પણ મતદાર ન મળે, તો જ તેનું નામ યાદીમાંથી હટાવવામાં આવે છે. ત્યારબાદ પણ કોઈ પણ સમયે Form-6 ભરીને નામ ફરીથી ઉમેરાવી શકાય છે. અત્યાર સુધીમાં 6 કરોડ લોકોના નામ ઉમેરાઈ પણ ચૂક્યા છે અને બાકીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
CEC-ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી
ચૂંટણી પંચના નિર્ણયો સામે કરાયેલા સવાલોનો જવાબ આપતા ભાજપ પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને બંને ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ જ આંતરિક મતભેદ નથી. આ અંગે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને સત્તાવાર જાણકારી આપી છે, જે ક્યારેય ખોટી હોઈ શકે નહીં. આ વાત વિપક્ષ પણ જાણે છે છતાં ખોટા નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યા છે.
તેમણે એક રસપ્રદ તથ્ય ટાંકતા જણાવ્યું કે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેમાં SIR ને રદ કરવાની કોઈ માંગ કરવામાં આવી નથી. બલ્કે અરજીમાં એ વાતનો સ્વીકાર કરાયો છે કે SIR વૈધતાને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે. આમ છતાં, વિપક્ષી નેતાઓ પોતાની મોક સંસદમાં SIR રદ કરવાની માંગણી દોહરાવીને પોતાનું બેવડું વલણ છતું કરી રહ્યા છે.
