INDI ગઠબંધનની સુપ્રીમ કોર્ટમાં અરજી: SIR સંબંધિત તમામ ફાઇલો, વાંધા અને મીટિંગની માહિતી જાહેર કરવાની માંગ

સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગઠબંધનના અગ્રણી નેતાઓ અને હજારો સમર્થકોએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજીને આ સંયુક્ત અરજી સુપરત કરી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 13 Oct 2026 07:53 AM (IST)Updated: Tue, 13 Oct 2026 07:53 AM (IST)
indi-alliance-files-petition-in-supreme-court-demanding-probe-into-election-commission-evm-voter-list
ઇન્ડિ એલાયન્સ સુપ્રીમ કોર્ટ પિટિશન

INDI Alliance Supreme Court Petition: દેશની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોના અધિકારોની રક્ષા માટે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના વિપક્ષી 'INDI' ગઠબંધન* દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અને વ્યાપક સંયુક્ત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ચૂંટણી પંચની કામગીરી, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ના એકપક્ષીય નિર્ણયો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદારોના નામ મનસ્વી રીતે દૂર કરવા અને EVM ના ઉપયોગ તથા તેની ટેકનિકલ પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગઠબંધનના અગ્રણી નેતાઓ અને હજારો સમર્થકોએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજીને આ સંયુક્ત અરજી સુપરત કરી હતી.

ગઠબંધનના કયા નેતાઓ બન્યા અરજદાર?

ચૂંટણી પ્રક્રિયામાં સુધારા અને તપાસ માટે દાખલ કરાયેલી આ અરજીમાં વિપક્ષના ટોચના નેતાઓ અરજદાર તરીકે જોડાયા છે, જેમાં:

  • મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ પ્રમુખ)
  • અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટી)
  • તેજસ્વી યાદવ (RJD)
  • સૌગત રોય (TMC)
  • સંજય રાઉત (શિવસેના - UBT)
  • સુપ્રિયા સુલે (NCP - SP)
  • એમ.એ. બેબી (CPM), ડી. રાજા (CPI), મહુઆ માજી (JMM) અને ઈ.ટી. મોહમ્મદ બશીર (IUML) નો સમાવેશ થાય છે.

અરજીમાં કરાયેલી મુખ્ય માંગણીઓ

નિવૃત્ત જજની આગેવાનીમાં પેનલની રચના:

ગઠબંધને વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં ટેકનિકલ નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક ખાસ સમિતિની રચના કરવામાં આવે, જે મતદાર યાદી ડેટાબેઝની વિશ્વસનીયતા અને SIR પ્રક્રિયાના અમલીકરણની સમીક્ષા કરે.

EVM ની ટેકનિકલ સમીક્ષા:

EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ના સંચાલન, પ્રોટોકોલ્સ અને ટેકનિકલ માળખાની તટસ્થ તપાસ કરવાની માંગણી કરાઈ છે.

SIR ની માહિતી જાહેર કરવી:

ચૂંટણી પંચ દ્વારા 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' દરમિયાન દૂર કરવામાં આવેલા તમામ મતદારોના નામ બૂથ-વાર જાહેર કરવામાં આવે અને તેમાં લિંગ અને વય મુજબનું વર્ગીકરણ દર્શાવવામાં આવે.

'ફોર્મ 6' અને ડેટાબેઝ પર વાંધો:

વકીલ પ્રસન્ના એસ. દ્વારા રજૂઆત કરતાં જણાવાયું હતું કે નવા મતદાર નોંધણી માટેના 'ફોર્મ 6' માં ગેરકાયદેસર શરતો ઉમેરાતાં પ્રથમ વખત મતદાન કરનારાઓ પર અન્યાયી બોજ પડે છે. આ ઉપરાંત ECINET અને ERONET ડેટાબેઝની અપારદર્શકતા અંગે પણ પ્રશ્નો ઉઠાવાયા છે.

‘CJIએ આગળનો માર્ગ દર્શાવ્યો’: રાહુલ ગાંધી

વિપક્ષી પ્રતિનિધિમંડળને મળવાનો સીજેઆઈ (CJI) દ્વારા ઇનકાર કરવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "અમે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ આદર કરીએ છીએ. અમને આનંદ છે કે તેમણે અરજી દાખલ કરવાનો સંકેત આપીને આગળ વધવાનો એક ન્યાયિક માર્ગ દર્શાવ્યો છે."

વિપક્ષી નેતાઓએ દલીલ કરી હતી કે આ અરજી કોઈ રાજકીય હેતુ માટે નહીં પરંતુ વ્યાપક જનહિતમાં દાખલ કરવામાં આવી છે, જેથી દરેક પાત્ર નાગરિકનો મત આપવાનો બંધારણીય અધિકાર સચવાય અને લોકશાહી પ્રક્રિયામાં દેશની જનતાનો વિશ્વાસ અકબંધ રહે.