IND vs WI Ticket Black Marketing: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20I સિરીઝની ચોથી મેચ આજે 14 ઓક્ટોબર, બુધવારના રોજ હૈદરાબાદમાં રમાશે. આ મેચ શરૂ થાય તે પહેલાં ટિકિટની કાળાબજારીને લઈને વિવાદ સર્જાયો છે. હૈદરાબાદ પોલીસે મેચ પહેલા મોટી કાર્યવાહી કરીને ફ્રી પાસ બ્લેકમાં વેચવાના આરોપસર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના એક સભ્ય સહિત ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે.
મેચ પહેલા હૈદરાબાદમાં કાળાબજારીનો વિવાદ
ગોશમહલ પોલીસને 12 ઓક્ટોબરના રોજ રાત્રે S D Mall પાસે ટિકિટોની કાળાબજારી થતી હોવાની માહિતી મળી હતી. આ સૂચનાના આધારે આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર વી. જનાર્દન નાયકની આગેવાની હેઠળ રાત્રે આશરે 9:00 વાગ્યે પોલીસ ટીમે દરોડો પાડીને અવિનાશ ડરક અને મોહિત સોમાનીને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે ઝડપેલા ચાર આરોપીમાં HCA સભ્ય સતીષ ચંદ્ર શ્રીવાસ્તવ, તેમના પુત્ર અકર્ષિત શ્રીવાસ્તવ, અવિનાશ ડરક અને મોહિત સોમાનીનો સમાવેશ થાય છે. પોલીસ ટીમે દરોડા દરમિયાન 'Not for sale' લખેલા 11 કમ્પ્લીમેન્ટરી ક્રિકેટ પાસ કબજે કર્યા છે. આ ક્રિકેટ પાસ ઉપરાંત આરોપીઓ પાસેથી નવરાત્રિ દાંડિયાના 8 પાસ, ₹5000 રોકડા, મોબાઈલ ફોન અને બાઈક પણ જપ્ત કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વેચાણ, HCA સભ્યની ભૂમિકા
પોલીસ પૂછપરછ દરમિયાન ડરક અને સોમાનીએ ખુલાસો કર્યો હતો કે તેમને આ કમ્પ્લીમેન્ટરી ટિકિટ અકર્ષિત શ્રીવાસ્તવ પાસેથી મળી હતી. તેઓ તેને WhatsApp તથા Instagram ના માધ્યમથી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અકર્ષિતને પાસ તેના પિતા સતીષ ચંદ્ર શ્રીવાસ્તવ પાસેથી મળ્યા હતા, જેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના સભ્ય છે.
પોલીસ ઈન્સ્પેક્ટર શ્રવણ કુમારના જણાવ્યા અનુસાર, અલગ-અલગ પવેલિયન મુજબ આ ફ્રી પાસ રૂ. 3,500 થી લઈને રૂ. 6,000 સુધીની કિંમતમાં વેચવામાં આવી રહ્યા હતા. આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા તે પહેલા જ 9 ટિકિટ વેચી ચૂક્યા હતા. હૈદરાબાદ પોલીસે જણાવ્યું છે કે, સતીષ ચંદ્ર શ્રીવાસ્તવને HCA તરફથી કુલ કેટલા પાસ ફાળવવામાં આવ્યા હતા તે અંગે એસોસિએશન પાસેથી વિગતો મેળવીને તપાસ આગળ વધારવામાં આવશે.
