IMD Weather Update: દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવામાન વિભાગ (IMD) દ્વારા ફરી એકવાર નવી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજ રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બદલાયેલા હવામાન દરમિયાન 70 થી 75 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ પ્રબળ શક્યતા છે.
21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજ રોજ દેશના કુલ 21 રાજ્યોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ રાજ્યોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સિક્કિમ, મિઝોરમ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. તંત્ર દ્વારા ખેડૂતો અને માછીમારોને નદી તેમજ દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સલાહ આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાની પવનો અને વાતાવરણના નીચલા સ્તરમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પૂર્વીય ઉત્તર પ્રદેશ અને આસપાસના ક્ષેત્રોમાં હવામાનમાં આચિંતાનો પલટો આવ્યો છે. પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને કરા પડવાની પણ આગાહી કરાઈ છે.
દિલ્હીનું હવામાન
રાજધાની દિલ્હીમાં આજે મધ્યમ વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અહીં પવનની ઝડપ 25 થી 30 કિમી/કલાકની આસપાસ રહેશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન આશરે 21°C રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશનું હવામાન
મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા, મથુરા, ગોંડા, સોનભદ્ર, કાનપુર, લખીમપુર ખેરી, પીલીભીત અને લખનૌ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. અહીં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેશે.
બિહારનું હવામાન
પટના, ગયા, જહાનાબાદ, સિવાન, બક્સર, સારણ, મુઝફ્ફરપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. પટનામાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાની સંભાવના છે.
ઝારખંડનું હવામાન
રાંચી, સિમડેગા, ધનબાદ, હઝારીબાગ અને જમશેદપુર સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાંચીમાં મહત્તમ તાપમાન 27°C અને લઘુત્તમ તાપમાન 19°C સુધી જઈ શકે છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનું હવામાન
દેહરાદૂન, ચમોલી, નૈનીતાલ તેમજ હિમાચલના મંડી, સોલન અને લાહૌલ-સ્પિતિમાં વરસાદ સાથે હિમવર્ષાની ચેતવણી છે. મનાલીમાં મહત્તમ તાપમાન ઘટીને 6°C અને લઘુત્તમ તાપમાન 0°C સુધી પહોંચવાની આગાહી છે.
જમ્મુ અને કાશ્મીરનું હવામાન
બારામુલ્લા, બડગામ, અનંતનાગ અને શ્રીનગરમાં વરસાદ અને 20 થી 30 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 22°C અને લઘુત્તમ તાપમાન 11°C રહેશે.
