IIT Hyderabad Placement: દેશમાં નોકરીઓની વધતી માંગ વચ્ચે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) હૈદરાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સંસ્થાના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીને આ વર્ષના પ્લેસમેન્ટમાં નેધરલેન્ડની એક કંપની તરફથી વાર્ષિક 2.5 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. IIT હૈદરાબાદના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી પ્લેસમેન્ટ ઓફર છે.
માત્ર 21 વર્ષની વયે રેકોર્ડબ્રેક સિદ્ધિ
ફાઈનલ યરના વિદ્યાર્થી એડવર્ડ નાથન વર્ગીસને વૈશ્વિક ટ્રેડિંગ ફર્મ ઓપ્ટિવર (Optiver) દ્વારા સોફ્ટવેર એન્જિનિયરના પદ માટે આ ઓફર આપવામાં આવી છે અને તેઓ જુલાઈ મહિનાથી નેધરલેન્ડ ઓફિસમાં કામ શરૂ કરશે. એડવર્ડ નાથન વર્ગીસે આ સફળતા માત્ર 21 વર્ષની ઉંમરે હાંસલ કરી છે.
આ આકર્ષક ઓફર તેમને બે મહિનાની સમર ઇન્ટર્નશિપ બાદ મળી હતી, જેને તેમણે પ્રી-પ્લેસમેન્ટ ઓફર (PPO) માં બદલી નાખી હતી. આ ઇન્ટર્નશિપમાં બે અઠવાડિયાનો ટ્રેનિંગ પિરિયડ અને છ અઠવાડિયાનો પ્રોજેક્ટ સામેલ હતો. નોંધનીય છે કે ઓપ્ટિવરમાં ઇન્ટર્નશિપ માટે બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી, પરંતુ PPO માત્ર એડવર્ડને જ મળ્યો છે. હૈદરાબાદમાં જન્મેલા અને ઉછરેલા એડવર્ડના માતા-પિતા પણ વ્યવસાયે એન્જિનિયર છે.
સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગે અપાવી સફળતા
પોતાની સફળતા વિશે વાત કરતા એડવર્ડ જણાવે છે કે તેઓ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષથી જ કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગમાં સક્રિય રહ્યા છે અને દેશના ટોપ 100માં સ્થાન ધરાવે છે. આ અનુભવે તેમને ઇન્ટરવ્યુ પાસ કરવામાં ઘણી મદદ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે IITનું નામ અને સંસ્થાનો મજબૂત અભ્યાસક્રમ વર્તમાન મંદીના સમયમાં પણ કંપનીઓને કેમ્પસ સુધી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એડવર્ડ સિવાય અન્ય એક કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને પણ 1.1 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. અગાઉ સંસ્થામાં સૌથી મોટું પેકેજ 2017માં લગભગ 1 કરોડ રૂપિયા નોંધાયું હતું. આ વર્ષે IIT હૈદરાબાદના સરેરાશ પેકેજમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. 2024ની સરખામણીમાં સરેરાશ પેકેજ લગભગ 75 ટકા વધીને 20.8 લાખ રૂપિયાથી વધીને 36.2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પ્લેસમેન્ટના પ્રથમ તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 24 આંતરરાષ્ટ્રીય ઓફરો મળી છે.
છેલ્લા ત્રણ વર્ષના સૌથી મોટા પેકેજ પર નજર કરીએ તો
- 2025-26: 2.5 કરોડ રૂપિયા
- 2024-25: 66 લાખ રૂપિયા
- 2023-24: 90 લાખ રૂપિયા
