ભારતીય વાયુસેના અલગથી 'ડ્રોન ફોર્સ' નહીં બનાવે: AIના દમ પર બદલાશે યુદ્ધની રણનીતિ, IAF ચીફે આપ્યા મહત્વના સંકેત

PTI સાથેની વાતચીતમાં એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે, આ ઘટને પહોંચી વળવા માટે વાયુસેનાએ દર વર્ષે ઓછામાં ઓછા 36 થી 40 નવા ફાઇટર એરક્રાફ્ટ પોતાના કાફલામાં સામેલ કરવાની સખત જરૂરિયાત છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 03 Oct 2026 03:34 PM (IST)Updated: Sat, 03 Oct 2026 03:34 PM (IST)
iaf-chief-ap-singh-amca-delay-rafale-deal-su57-fighter-jets
ભારતીય વાયુસેના

Air Chief Marshal AP Singh: 8 ઓક્ટોબરે ઉજવાનારા 'ભારતીય વાયુસેના દિવસ' પહેલા જ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો સ્વદેશી પાંચમી પેઢીના 'એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ' (AMCA) પ્રોજેક્ટના વિકાસમાં વિલંબ થશે, તો ભારતીય વાયુસેના (IAF) ને પોતાના ફાઇટર કાફલાની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય વિદેશી ફાઇટર પ્લેટફોર્મ્સ વિશે વિચારવું પડી શકે છે.

સ્ક્વોડ્રનની ભારે અછત અને વાર્ષિક જરૂરિયાત

હાલમાં ભારતીય વાયુસેના ફાઇટર સ્ક્વોડ્રનની ગંભીર અછતનો સામનો કરી રહી છે. દેશની સુરક્ષા માટે મંજૂર કરાયેલી 42 સ્ક્વોડ્રનની સરખામણીએ હાલમાં વાયુસેના પાસે માત્ર 29 સ્ક્વોડ્રન જ ઉપલબ્ધ છે. PTI સાથેની વાતચીતમાં એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે, આ ઘટને પહોંચી વળવા માટે વાયુસેનાએ દર વર્ષે ઓછામાં ઓછા 36 થી 40 નવા ફાઇટર એરક્રાફ્ટ પોતાના કાફલામાં સામેલ કરવાની સખત જરૂરિયાત છે.

114 રાફેલ ફાઇટર જેટનો સોદો અંતિમ તબક્કામાં

મલ્ટી-રોલ ફાઇટર જેટ ખરીદી કાર્યક્રમ હેઠળ 114 રાફેલ વિમાનોની પ્રસ્તાવિત ખરીદી અંગે વાત કરતા એ.પી. સિંહે આશા વ્યક્ત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં જ આ સોદાને આખરી સ્વરૂપ આપી દેવાશે. સંરક્ષણ પ્રાપ્તિ પરિષદ (DAC) દ્વારા આ સોદા માટે 'જરૂરિયાતની સ્વીકૃતિ' (AoN) મળી ચૂકી છે અને સરકારી યોજના મુજબ મોટાભાગના વિમાનોનું ઉત્પાદન 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ કરવામાં આવશે.

રશિયાના Su-57 પ્રસ્તાવ પર હજુ નિર્ણય બાકી

બીજી તરફ, વૈકલ્પિક પાંચમી પેઢીના ફાઇટર જેટ તરીકે રશિયાએ ભારતને તેના આધુનિક Su-57 સ્ટીલ્થ જેટની ઓફર આપી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતમાં Su-57 ના સંયુક્ત ઉત્પાદનનો પ્રસ્તાવ પણ મુક્યો છે. જોકે, એર ચીફ માર્શલે સ્પષ્ટ કર્યું કે ભારતીય વાયુસેનાએ રશિયાના આ પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ આખરી નિર્ણય લીધો નથી.

AI-સક્ષમ વાયુસેના અને ડ્રોન ટેકનોલોજી

આધુનિક યુદ્ધકૌશલ અંગે વાત કરતા વાયુસેના પ્રમુખે ટેકનોલોજી આધારિત પરિવર્તન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "ભવિષ્યના સૈન્ય અભિયાનો માટે ભારતને AI-સક્ષમ વાયુસેનાની જરૂર છે." આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ડ્રોન અને 'લોઇટરિંગ મ્યુનિશન્સ' કોઈ અલગ હથિયાર નથી પરંતુ વર્તમાન સૈન્ય માળખાનો અભિન્ન ભાગ છે અને તેને અન્ય શસ્ત્ર પ્રણાલીઓ સાથે સાંકળીને વાપરવા અનિવાર્ય છે.