Sugarcane processing in Gujarati: શેરડી માત્ર ખાંડ બનાવવા માટેનો પાક નથી. શેરડીમાંથી ખાંડ, ગોળ અને ઇથેનોલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. જોકે ત્રણેય વસ્તુઓ માટે શરૂઆતમાં શેરડીનો રસ કાઢવાની પ્રક્રિયા લગભગ સમાન હોય છે, ત્યારબાદની પ્રોસેસ અલગ થઈ જાય છે. ખાંડ અને ગોળ મુખ્યત્વે શેરડીના રસમાં રહેલી સુક્રોઝ પરથી બને છે, જ્યારે ઇથેનોલ બનાવવા માટે શેરડીના રસ અથવા ખાંડ મિલમાંથી મળતા મોલાસિસનો ઉપયોગ થાય છે.
શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા
સૌ પ્રથમ ખેતરમાંથી લાવવામાં આવેલી શેરડીને મિલમાં લઈ જઈને તેની સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ક્રશર અને રોલર્સની મદદથી શેરડીને પીસીને તેનો રસ કાઢવામાં આવે છે. રસમાંથી બગાસ (શેરડીનો રેસાવાળો ભાગ) અલગ કરવામાં આવે છે. બગાસનો ઉપયોગ ઘણી વખત બોઇલરમાં ઈંધણ તરીકે કરવામાં આવે છે.
ત્યારબાદ શેરડીના રસને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે. તેમાં રહેલી માટી, રેસા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. શુદ્ધ કરેલા રસને ગરમ કરીને પાણીનો મોટો હિસ્સો બાષ્પીભવન કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ રસ ઘટ્ટ થઈને ચાસણી જેવો બને છે.
આ ચાસણીને વધુ ગરમ કરીને અને નિયંત્રિત રીતે સ્ફટિકીકરણ કરાવી ખાંડના સ્ફટિક બનાવવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રિફ્યુજ મશીનની મદદથી ખાંડના સ્ફટિકોને મોલાસિસથી અલગ કરવામાં આવે છે. અંતે ખાંડને સૂકવીને પેક કરવામાં આવે છે.
શેરડીમાંથી ગોળ કેવી રીતે બને છે?
ગોળ બનાવવાની પ્રક્રિયા ખાંડની સરખામણીએ સરળ છે. શેરડીમાંથી રસ કાઢ્યા બાદ તેને ગાળીને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ મોટા તપેલા અથવા પેનમાં રસને ગરમ કરવામાં આવે છે.
રસ ઉકળે ત્યારે ઉપર આવતી ગંદકી અને ફીણને દૂર કરવામાં આવે છે. સતત ગરમ કરવાથી રસમાં રહેલું પાણી ઓછું થતું જાય છે અને રસ ધીમે-ધીમે ઘટ્ટ બને છે. જ્યારે યોગ્ય ઘટ્ટતા પ્રાપ્ત થાય ત્યારે તેને ઠંડો કરવામાં આવે છે. ત્યારબાદ તેને મોલ્ડમાં રેડીને ગોળના પાટિયા, ભેલીઓ અથવા અન્ય આકાર આપવામાં આવે છે.
શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા
ઇથેનોલ માટે શેરડીના રસ અથવા ખાંડના ઉત્પાદન દરમિયાન મળતા મોલાસિસનો ઉપયોગ થઈ શકે છે. સૌપ્રથમ તેમાં રહેલી શર્કરાને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ખાસ પ્રકારના યીસ્ટ (ખમીર) ઉમેરવામાં આવે છે.
યીસ્ટ શર્કરાનું કિણ્વન કરીને તેને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તિત કરે છે. કિણ્વન પછી મળેલા દ્રાવણમાં ઇથેનોલ ઉપરાંત પાણી અને અન્ય ઘટકો હોય છે. તેથી ઇથેનોલને અલગ કરવા માટે ડિસ્ટિલેશન કરવામાં આવે છે. વધુ શુદ્ધતા જરૂરી હોય ત્યારે ડિહાઇડ્રેશન દ્વારા પાણીનું પ્રમાણ વધુ ઘટાડવામાં આવે છે.
આ રીતે એક જ શેરડીમાંથી ખાંડ, ગોળ અને ઇથેનોલ જેવા અલગ-અલગ ઉત્પાદનો મેળવી શકાય છે. ખાંડ અને ગોળ સીધા ખાદ્ય ઉત્પાદનો તરીકે ઉપયોગમાં આવે છે, જ્યારે ઇથેનોલનો ઉપયોગ મુખ્યત્વે ઈંધણમાં મિશ્રણ સહિત વિવિધ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે.
