પ્રેમ, છૂટાછેડા અને વિસ્ફોટનું ષડયંત્ર! પાકિસ્તાની હેન્ડલરે આ રીતે બનાવી યુવતીને શ્રીગંગાનગર રેલવે બ્લાસ્ટનો મહોરો

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર થયેલા ધમાકા મામલે મોટો ખુલાસો. પાકિસ્તાની ISI હેન્ડલરની પ્રેમજાળમાં ફસાયેલી યુવતી મહકદીપ કૌર અને દવિંદર સિંહની પંજાબથી ધરપકડ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 15 Nov 2026 05:57 PM (IST)Updated: Sun, 15 Nov 2026 05:57 PM (IST)
how-a-pakistani-handler-turned-a-young-woman-into-a-pawn-for-the-sri-ganganagar-railway-blast

ATS Action: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ગત 3 નવેમ્બરના રોજ '50 GB' ગામ પાસે રેલવે ટ્રેક પર થયેલા બ્લાસ્ટ મામલે સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર આતંકી ષડયંત્ર પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ (ISI)ના હેન્ડલર ‘શાહ’ દ્વારા રચવામાં આવ્યું હતું. તેણે પંજાબની એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને આ હુમલાને અંજામ આપવા માટે તૈયાર કરી હતી. આ સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે આરોપીઓને કુલ 2.23 લાખ રૂપિયાનું ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાંથી 1 લાખ રૂપિયા રોકડા અને બાકીની રકમ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ISI હેન્ડલરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા રચાયેલા આ ષડયંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાન અને ખાસ કરીને સરહદી વિસ્તાર શ્રીગંગાનગરમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરવાનો હતો. રવિવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ADGP ATS દિનેશ MN એ AGTF અને ANTFના વરિષ્ઠ અધિકારીઓ, બિકાનેર રેન્જના IG ઓમ પ્રકાશ તેમજ શ્રીગંગાનગરના SP હરિશંકરની હાજરીમાં આ સમગ્ર તપાસનો પર્દાફાશ કર્યો હતો.

રાજસ્થાન એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને શ્રીગંગાનગર પોલીસે પંજાબ કાઉન્ટર ઈન્ટેલિજન્સની મદદથી આ કેસના મુખ્ય બે આરોપીઓ—21 વર્ષીય મહકદીપ કૌર અને 23 વર્ષીય દવિંદર સિંહની પંજાબના ગુરદાસપુર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ ટીમે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બે વિદેશી બનાવટની પિસ્તોલ, 46 જીવતા કારતૂસ અને 30,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ADGP દિનેશ MN એ સ્પષ્ટ કર્યું કે આ વિસ્ફોટ વિદેશમાં બેઠેલા હેન્ડલરના સીધા ઈશારે કરવામાં આવ્યો હતો.

કેવી રીતે બની યુવતી આતંકી ષડયંત્રનો શિકાર?

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે હેન્ડલરે હુમલા માટે ટાર્ગેટ લોકેશન, નાણાં અને જરૂરી તમામ સૂચનાઓ પૂરી પાડી હતી. આરોપી મહકદીપ કૌરના લગ્ન આશરે બે વર્ષ પહેલાં થયા હતા, પરંતુ ડિસેમ્બર 2024માં તેના છૂટાછેડા થઈ ગયા હતા.

ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં તેના પૂર્વ પતિ કરણવીર સિંહની NDPS (ડ્રગ્સ) કેસમાં ધરપકડ થતા તે જેલમાં ગયો હતો. જેલમાં ગયા બાદ કરણવીરે મહકદીપનો ફરી સંપર્ક કર્યો અને જેલમાં પોતાને ખર્ચ માટે પૈસા પહોંચાડવા પાકિસ્તાનમાં બેઠેલા 'લવલી' નામના શખ્સ સાથે વાત કરવા કહ્યું. થોડા સમય બાદ 'લવલી'એ મહકદીપની ઓળખ પાકિસ્તાન સ્થિત 'શાહ' નામના અન્ય હેન્ડલર સાથે કરાવી હતી.

ધીમે-ધીમે મહકદીપ અને 'શાહ' વચ્ચેની વાતચીત રોમેન્ટિક સંબંધમાં ફેરવાઈ ગઈ અને યુવતી તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ. આરોપ છે કે પાકિસ્તાની હેન્ડલરે આ લાગણી અને સંબંધનો પૂરો ફાયદો ઉઠાવીને મહકદીપને રેલવે બ્લાસ્ટ કરવા માટે તૈયાર કરી અને તેને ટાર્ગેટ સોંપ્યો હતો.

રેલવે હુમલાનું ષડયંત્ર કેવી રીતે પાર પડાયું?

ADGP દિનેશ MNના જણાવ્યા અનુસાર, આરોપી મહકદીપ અને દવિંદર અગાઉ 6 ઓક્ટોબરના રોજ રામસિંહપુર વિસ્તારમાં રેકી કરવા અને હુમલો કરવા ગયા હતા, પરંતુ તે સમયે વિસ્ફોટક સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ત્યારબાદ 12 અથવા 13 ઓક્ટોબરના રોજ બંને ફરીથી વિસ્ફોટક અને ટાઈમર લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા તે દિવસે પણ બ્લાસ્ટ થઈ શક્યો નહોતો. અંતે, પાકિસ્તાનથી મળેલી નવી સૂચનાઓ બાદ 3 નવેમ્બરના રોજ તેઓ '50 GB' ગામ પાસે રેલવે ટ્રેક પર વિસ્ફોટ કરવામાં સફળ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું તેમનું અસલી નિશાન કોઈ પેસેન્જર કે માલગાડી ટ્રેન હતી કે કેમ.

5 લાખ કોલ રેકોર્ડ અને 400 લોકોની પૂછપરછ બાદ મળી સફળતા

આ હાઈ-પ્રોફાઈલ કેસને ઉકેલવા માટે સુરક્ષા એજન્સીઓએ અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે પાંચ લાખ જેટલા કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ખંગાળવામાં આવ્યા હતા અને 400થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે પાકિસ્તાન સરહદે સક્રિય તસ્કરો અને તેમના સ્થાનિક નેટવર્ક પર પણ નજર રાખી હતી.

દિનેશ MN એ માહિતી આપી કે ત્રણ દિવસ પહેલાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે રાજસ્થાન ATSની ટીમો પંજાબ રવાના થઈ હતી. પંજાબ કાઉન્ટર ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનમાં બંને આરોપીઓનું લોકેશન ગુરદાસપુરમાં ટ્રેસ થયું હતું, જ્યાંથી 15 નવેમ્બરના રોજ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી આ સ્લીપર સેલ નેટવર્કના અન્ય સ્થાનિક સાગરીતો અને પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સાથેના તેમના ઊંડા કનેક્શનનો પર્દાફાશ કરી શકાય.