Greater Noida Family Death: ગ્રેટેર નોઈડાના રબૂપુરા વિસ્તારમાં એક જ પરિવારના પતિ-પત્ની અને ત્રણ બાળકો સહિત પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થવાની દુખદ ઘટના સામે આવી છે. રબૂપુરા કોતવાલીના નંગલા શ્રીગોપાલ (નગલા પદમ) ગામમાં આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મેગી ખાઈને સુઈ ગયા, સવારે મળ્યા માત્ર મૃતદેહ
પ્રારંભિક માહિતી અનુસાર, નગલા પદમ ગામના રહેવાસી મહેશ, તેમની પત્ની લલિતેશ અને ત્રણ સગીર બાળકો રાત્રે 10:00 વાગ્યે મેગી ખાઈને સુઈ ગયા હતા. સવારે તેઓ ઘણા સમય સુધી ન ઉઠતા આસપાસના લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ ઘરની અંદર જઈને તપાસ કરતાં પાંચેય સભ્યો પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઘર બહાર લોકોના ટોળા ઉમટ્યા, મૃતકોની ઓળખ
રબૂપુરા પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે માહિતી મળતા જ નગલા શ્રી પદમ ગામ ખાતે મૃતકોના ઘરની બહાર લોકોના ભારે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ કરી તેમના નામ નીચે મુજબ જણાવ્યા છે:
- મહેશ (પતિ): ઉંમર 37 વર્ષ
- લલિતા (પત્ની): ઉંમર 35 વર્ષ
- લડ્ડુ (પુત્ર): ઉંમર 11 વર્ષ
- મિષ્ટી (પુત્રી): ઉંમર 7 વર્ષ
- સાક્ષાત (પુત્ર): ઉંમર 3 વર્ષ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ બળ, ઉચ્ચાધિકારીઓ, એમ્બ્યુલન્સ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફીલ્ડ યુનિટ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસે મૃતદેહોનું પંચનામું કરીને તેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આસપાસના રહેવાસીઓ તેમજ મૃતક મહેશના માતાએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ રાત્રે નૂડલ્સનું ભોજન કર્યું હતું. જોકે, મૃત્યુના વાસ્તવિક કારણની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
