Aatmanirbhar Web Browsers: ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેના આત્મનિર્ભરતાના અભિયાનને વધુ આગળ લઈ જવા માટે હવે નવું પગલું ભરી રહી છે. ભારત સરકારે હવે સ્વદેશી રીતે નિર્મિત વેબ બ્રાઉઝર્સને ટેકો આપવા માટે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે Google Chrome, Mozilla Firefox, Microsoft Edge, Opera અને અન્ય સાથે સ્પર્ધા કરશે.
વેબ બ્રાઉઝર ડેવલપમેન્ટ ચેલેન્જને કુલ રૂપિયા 3 કરોડથી વધુનું ફંડ મળ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને તેના વિભાગો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
"દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે, ત્યારે એ મહત્વનું છે કે અમારું અમારા ડિજિટલ ભાગ્ય પર નિયંત્રણ હોય. અમે એવા ક્ષેત્રોમાં વિદેશી વેબ બ્રાઉઝર પર નિર્ભર રહેવા માંગતા નથી જ્યાં નાગરિકોની સુરક્ષા અને સલામતી સર્વોપરી છે… આત્મનિર્ભરતા વેબ બ્રાઉઝર્સમાં પણ હોવી જોઈએ," એક અધિકારીએ કહ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારને આ પ્રોગ્રામ દ્વારા Google અને Mozilla Firefox જેવી મોટી યુએસ બ્રાઉઝર કંપનીઓને તેમના 'ટ્રસ્ટ સ્ટોર્સ'માં દેશની વેબ સિક્યુરિટી સર્ટિફિકેશન ઓથોરિટીને સામેલ કરવા માટે બાર્ગેનિંગ પાવર મળશે. બ્રાઉઝરના ટ્રસ્ટ સ્ટોર અથવા રૂટ સ્ટોરમાં પ્રમાણપત્ર અધિકારીઓની સૂચિ હોય છે જેમના પ્રમાણપત્રો પર વિશ્વાસ કરી શકાય છે. હાલમાં, Google Chrome અને Mozilla Firefox જેવા ટોચના બ્રાઉઝર્સ તેમના રૂટ સ્ટોર્સમાં ભારતની સત્તાવાર પ્રમાણિત એજન્સીને સમાવતા નથી.
ઉલ્લેખનીય છે કે, જુલાઇના વેબ ડેટા અનુસાર હાલ ભારતના લગભગ 850 મિલિયન યુઝર્સના વિશાળ ઈન્ટરનેટ બજારમાં, 88.47 ટકા બજાર હિસ્સા સાથે ગૂગલ ક્રોમ સ્પષ્ટ લીડર છે. સફારી 5.22 ટકા સાથે બીજા ક્રમે છે, ત્યારબાદ માઇક્રોસોફ્ટ એજ 2 ટકા, સેમસંગ ઇન્ટરનેટ 1.5 ટકા, મોઝિલા ફાયરફોક્સ 1.28 ટકા અને અન્ય 1.53 ટકા સાથે આ સૂચિમાં સ્થાન ધરાવે છે.
