Farooq Abdullah Attack News: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા બુધવારે રાત્રે એક ભયાનક હુમલામાં બાલ-બાલ બચી ગયા છે. જમ્મુના બહારના વિસ્તાર ગ્રેટર કૈલાશમાં એક લગ્ન સમારોહ દરમિયાન એક શખ્સે તેમની અત્યંત નજીક પહોંચીને પાછળથી ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ફારૂક અબ્દુલ્લાએ તેમની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, "અલ્લાહે મને બચાવી લીધો છે."
ઘટનાની વિગતો અને ફારૂક અબ્દુલ્લાનું નિવેદન
આ ઘટના 11 માર્ચ 2026 ના રોજ રાત્રે બની હતી જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્ન પ્રસંગમાંથી બહાર નીકળી રહ્યા હતા. હુમલાના ભયાનક મંજરને યાદ કરતા અબ્દુલ્લાએ જણાવ્યું કે, "જ્યારે હું વેન્યુથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો. મને ત્યારે ખબર નહોતી કે ફાયરિંગ થયું છે. મને તાત્કાલિક કારમાં બેસાડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. બાદમાં મને ખબર પડી કે એક માણસ પિસ્તોલ સાથે હતો જેણે બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલાખોર તેમની ગરદનની એકદમ પાછળ સુધી પહોંચી ગયો હતો.
સુરક્ષાકર્મીઓની સતર્કતાથી જીવ બચ્યો
ફારૂક અબ્દુલ્લાએ તેમની સુરક્ષામાં તૈનાત નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને અન્ય સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ પોતાની જાન જોખમમાં મૂકીને હુમલાખોરને પકડી પાડ્યો હતો. આ હુમલા સમયે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરી અને સીએમના સલાહકાર નાસિર અસલમ વાની પણ તેમની સાથે જ હાજર હતા.
#WATCH | Jammu | Over assassination attempt on him, Farooq Abdullah says," I was walking out of the venue, when I heard the sound of a firecracker. Immediately, I was rushed into a car. Later, I was told that there was a man with a pistol who had fired two shots. Neither do I… pic.twitter.com/pWCwDkUfZi
— ANI (@ANI) March 12, 2026
કોણ છે હુમલાખોર અને શું હતો તેનો મકસદ?
પોલીસે હુમલાખોરની ઓળખ 63 વર્ષીય કમલ સિંહ જામવાલ તરીકે કરી છે, જે જમ્મુના જૂની મંડી વિસ્તારનો રહેવાસી છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલી લાયસન્સવાળી પિસ્તોલ પણ મળી આવી છે. પૂછપરછ દરમિયાન જામવાલે ચોંકાવનારો દાવો કર્યો છે કે તે છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને નિશાન બનાવવાની ફિરાકમાં હતો. પોલીસ હાલ તેના સામાજિક સંબંધો અને અન્ય કોઈ સંગઠન સાથેની સંડોવણીની તપાસ કરી રહી છે.
#WATCH | Jammu, J&K: An incident of firing occurred at a function where JKNC chief Farooq Abdullah and Deputy CM Surinder Choudhary were present. One person has been arrested. No injuries have been reported.
— ANI (@ANI) March 11, 2026
CCTV visuals showing the moment when the incident took place. pic.twitter.com/pnoD3f9fRJ
રાજકીય પ્રતિક્રિયા અને સુરક્ષા પર સવાલો
આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સુરક્ષામાં થયેલી ચૂક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સવાલ કર્યો કે, Z-plus સુરક્ષા ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીની આટલી નજીક કોઈ વ્યક્તિ લોડેડ પિસ્તોલ સાથે કેવી રીતે પહોંચી શકે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ફારૂક અબ્દુલ્લાને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને આ મામલે યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું હતું.
