Captain Smit Machhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ફ્લાઈટની કોકપીટમાં ઘટેલી ઘટના દરમિયાન ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછારે (Smit Machhar) અપ્રતિમ સાહસ દર્શાવીને સેંકડો મુસાફરોનો જીવ બચાવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 'હીરો' ગણાવીને તેમના બુલંદ હોસલાના મુક્તકંઠે વખાણ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહાદુરીને બિરદાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખાસ પોસ્ટ શેર કરીને કેપ્ટન સ્મિત મછારની પ્રશંસા કરી હતી. PM મોદીએ પોસ્ટમાં કહ્યું કે, કેપ્ટન સ્મિત મછાર એક સાચા હીરો છે. સૌથી ભયાનક ખતરાનો સામનો કરતી વખતે અને પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે બીજાના જીવ બચાવવા માટે અદ્ભુત હિંમત અને અડગ સંકલ્પશક્તિ દર્શાવી હતી.
PM મોદીએ પોસ્ટમાં વધુમાં લખ્યું કે, 'તેમની અસાધારણ બહાદુરીના કારણે સેંકડો લોકોનો કિંમતી જીવ બચ્યો છે અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. સમગ્ર ભારત દેશને કેપ્ટન સ્મિત પર ગર્વ છે. વડાપ્રધાને કેપ્ટન મછાર ઝડપથી સ્વસ્થ થાય, નવી શક્તિ પ્રાપ્ત કરે અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના પણ કરી હતી.'
કોકપીટમાં ચાકુથી હુમલો અને ઈમરજન્સી લેન્ડિંગ
ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ1073 દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈઝરાયેલના તેલ અવીવ સ્થિત બેન ગુરિયન એરપોર્ટ તરફ જઈ રહી હતી. આ દરમિયાન કોકપીટની અંદર બંને પાયલોટો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. રિપોર્ટ અનુસાર કો-પાયલોટે કેપ્ટન સ્મિત મછાર પર ચાકુ વડે અચાનક હુમલો કરી દીધો હતો.
ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અનુસાર, ઘટના સમયે વિમાનમાંથી ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યું હતું, અને વિમાન અંદાજે 33,000 ફીટની ઊંચાઈથી ઝડપથી નીચે તરફ આવ્યું હતું. અત્યંત ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મછારે વિમાન પરનો કાબૂ ગુમાવ્યો નહોતો અને ફ્લાઈટને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. આ ઘટનામાં બંને પાયલોટ ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
