Smit Machchhar Family: 30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ઘટેલી એક ભયાનક ઘટનામાં 174 મુસાફરોના જીવ બચાવીને દેશનું નામ રોશન કરનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી બોઈંગ 737 MAX 8 ફ્લાઈટ FZ1073 માં કથિત રીતે કો-પાયલટે કોકપીટમાં જ કેપ્ટન સ્મિત પર હિંસક હુમલો કર્યો હતો અને વિમાનને 34 હજાર ફીટની ઊંચાઈએથી ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં વિમાન અચાનક 14,000 ફીટ નીચે આવી ગયું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં 39 વર્ષીય સ્મિત મચ્છરે અદભુત હિંમત દર્શાવી હતી. તેમણે લોક થયેલા કોકપીટનો દરવાજો અનલોક કરીને બહાર મદદ માટે અવાજ લગાવ્યો હતો. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર કો-પાયલટ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં વિમાનને સાઉદી અરબના તબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનાથી તમામ 174 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
મૂળ ગુજરાતના વઢવાણ-ભાવનગર સાથે જોડાણ અને મુંબઈમાં ઉછેર
કેપ્ટન સ્મિત મચ્છરના પરિવારના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. તેઓ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની છે, જ્યારે પરિવારનું ભાવનગર સાથે પણ વિશિષ્ટ જોડાણ છે. સ્મિતના પિતા ઉપેન્દ્રભાઈ મચ્છર ભાવનગરના ભાણેજ થાય છે. જોકે, સ્મિતના જન્મ પહેલાં જ તેમના પિતા પરિવાર સાથે મુંબઈના ઘાટકોપર ખાતે સ્થાયી થયા હતા.
સ્મિતનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. તેમના પિતા બિઝનેસમેન હતા. તેમણે શરૂઆતમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો અને પરિવારનો બિઝનેસ સંભાળવાનું વિચાર્યું હતું. પરંતુ, પરિવારમાં ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાણ હોવાથી સ્મિતે એવિએશન ક્ષેત્ર પસંદ કર્યું.
સ્પાઈસજેટથી ફ્લાયદુબઈ સુધીની કારકિર્દી
સ્મિતે વર્ષ 2011થી મુંબઈમાં સ્પાઈસજેટ માટે 11 વર્ષ સુધી પાયલટ તરીકે સેવા આપી હતી. નવેમ્બર 2020માં તેઓ 'લાઈન ટ્રેનિંગ કેપ્ટન' બન્યા હતા, જ્યાં તેઓ અન્ય પાયલટોને તાલીમ આપતા હતા. જૂન 2022માં તેઓ દુબઈ સ્થિત 'ફ્લાયદુબઈ' એરલાઈન્સમાં જોડાયા હતા. 2025ના એક પોડકાસ્ટમાં તેમણે પોતાની કાર્યશૈલી વિશે કહ્યું હતું કે, "જ્યારે હું મારો યુનિફોર્મ પહેરું છું, ત્યારે કોઈ નકામી વાત નહીં, માત્ર કામ પર ધ્યાન આપું છું."
પરિવાર અને પર્સનલ લાઈફ
સ્મિતના માતા-પિતા ઉપેન્દ્ર મચ્છર અને ગીતા મચ્છર મુંબઈના તિલક નગર સ્થિત સ્વસ્તી હાઈટ્સમાં રહે છે. તેમના સસરા જયસુખ જોગી પણ ઘાટકોપરમાં રહે છે. સ્મિતની પત્નીનું નામ સોનલ છે અને તેમને બે બાળકો છે; 5 વર્ષની પુત્રી જીવા અને 2 વર્ષનો પુત્ર ક્રિશ. હાલ સ્મિત પોતાના પત્ની અને બાળકો સાથે દુબઈમાં રહે છે.
વઢવાણથી ભાવનગર અને મુંબઈથી દુબઈ સુધીની પરિવારની આ સફળ સફરમાં સ્મિત મચ્છરે કોકપીટમાં દાખવેલી અસાધારણ હિંમત અને વ્યાવસાયિક નિષ્ઠાના કારણે તેઓ આજે માત્ર એક પરિવાર કે સમાજ પૂરતા સીમિત ન રહેતા આખા દેશના હીરો બની ગયા છે.
