Etawah Girl Death Chowmein: ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના મિરહચી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. નવરાત્રીના 9 દિવસના ઉપવાસ પૂરા કર્યા બાદ માતાજીના દર્શને ગયેલી 14 વર્ષની માસૂમ વિદ્યાર્થીની તનુ ઉર્ફે ભાવનાનું ચાઉમીન ખાતી વખતે શ્વાસનળીમાં નૂડલ્સ ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અણધારી દુર્ઘટનાના કારણે શોકમગ્ન પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે તબીબોએ ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ખાતી વખતે વિશેષ સાવધાની રાખવાની ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
ચામુંડા મંદિરના દર્શન બાદ લીધી ચાઉમીન અને કોલ્ડ્રિંક્સની મજા
મિરહચીના મારહરા રોડ પર રહેતા અને નોઈડાની ખાનગી કંપનીમાં નોકરી કરતા શરદ શ્રીવાસ્તવની 10 માં ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની પુત્રી તનુએ નવરાત્રીના આખા 9 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખ્યું હતું. નોમના દિવસે વિધિવત કન્યા પૂજન સંપન્ન કર્યા બાદ તેણે પોતાનું વ્રત છોડ્યું હતું. બપોરે આશરે 1 વાગ્યે માતા કલ્પના શ્રીવાસ્તવ, નાની બહેન મનુ, 3 વર્ષનો નાનો ભાઈ અને ફોઈ નીલમ સાથે તનુ કાસગંજ સ્થિત પ્રખ્યાત ચામુંડા દેવી મંદિરના દર્શન કરવા માટે ગઈ હતી.
મંદિરના દર્શન અને પૂજા-અર્ચના બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે તનુએ પરિવાર સાથે બહાર પહેલા આઈસ્ક્રીમ અને ત્યારબાદ ચાઉમીન ખાધી હતી. કાસગંજ બસ સ્ટેન્ડથી ઓટોરિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી તે દરમિયાન તેણે કોલ્ડ્રિંક્સ પણ પીધું હતું.
ઉલટી થયા બાદ અચાનક બેભાન થઈ અને હોસ્પિટલમાં તોડ્યો દમ
પરિવાર સાથે હસતી-રમતી પરત ફરી રહેલી તનુની તબિયત ઓટોરિક્ષા નદરાઈ પાસે પહોંચી ત્યારે અચાનક જ લથડી હતી. તેને અચાનક ઉલટી થઈ હતી અને થોડી જ ક્ષણોમાં તે ઓટોમાં જ બેભાન થઈ ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાથી ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક મિરહચી સ્થિત સ્થાનિક તબીબ પાસે દોડાવી ગયા હતા, જ્યાંથી પ્રાથમિક તપાસ બાદ તબિયત વધુ નાજુક જણાતા તેને કાસગંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ કરીને તનુને મૃત જાહેર કરી હતી.
ડોક્ટરોએ પીએમ અને તપાસ બાદ ખુલાસો કર્યો હતો કે ચાઉમીનનો લાંબો ટુકડો તેની શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે શ્વાસ રૂંધાઈ ગયો હતો, જેના લીધે તેનું દુઃખદ અવસાન થયું હતું.
નૂડલ્સ ખાતી વખતે આટલું ધ્યાન રાખો
મેડિકલ કોલેજના સીએમએસ ડો. એસ. ચંદ્રાએ આ ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે નૂડલ્સ ખૂબ જ લાંબા, લીસા અને ચીકણા હોય છે. જો તેને સરખી રીતે ચાવીને ખાવામાં ન આવે તો તે સરળતાથી ગળામાં સરકીને સીધા શ્વાસનળીમાં જઈને ફસાઈ શકે છે.
તબીબો દ્વારા ફાસ્ટ ફૂડ ખાતી વખતે નીચે મુજબની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે:
- સરખી રીતે ચાવીને ખાઓ: ચાઉમીન કે નૂડલ્સને દાંત વડે ત્યાં સુધી બરાબર ચાવવા જોઈએ જ્યાં સુધી તે એકદમ ઝીણા ટુકડા ન થઈ જાય.
- મોટા બાઇટ ન લો: ચમચી કે કાંટા-ચમચીમાં એકસાથે વધુ પડતો જથ્થો ન ઉપાડવો.
- ખાતી વખતે બોલવું નહીં: ખોરાક લેતી વખતે હસવાથી કે બોલવાથી શ્વાસનળીનું ઢાંકણ (એપિગ્લોટિસ) ખુલી જાય છે, જેનાથી ખોરાક શ્વાસનળીમાં જતો રહે છે.
- બાળકો માટે સાવધાની: નાના બાળકોને ચાઉમીન આપતી વખતે હંમેશા તેને નાના-નાના ટુકડામાં કાપીને જ ખવડાવવું જોઈએ.
કટોકટીના સમયે અપનાવો ‘હાઇમલિચ મેન્યુવર’ પદ્ધતિ
જો ક્યારેય કોઈ વ્યક્તિની શ્વાસનળીમાં ખોરાક કે નૂડલ્સ અચાનક ફસાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય, તો તાત્કાલિક હાઇમલિચ મેન્યુવર પ્રાથમિક સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિ અંતર્ગત પીડિત વ્યક્તિની પાછળ ઊભા રહીને તેના પેટના ઉપરના ભાગે બંને હાથ વડે અંદર અને ઉપરની તરફ ઝડપથી દબાણ આપવું પડે છે. આ પ્રક્રિયાથી ફેફસાંમાંથી હવા બહાર તરફ ધક્કો મારે છે અને શ્વાસનળીમાં ફસાયેલો ખોરાક બહાર ફેંકાય જાન બચી શકે છે.
