Voter ID Card Big Update: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વ્યાપક વિવાદ અને આંતરિક મતભેદો વચ્ચે ભારતીય ચૂંટણી પંચે (ECI) એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ-6 સાથે વધારાનું ઘોષણાપત્ર ખાસ કરીને 'એનેક્સર-ડી' (Annexure-D) જમા કરાવવાની ફરજિયાત શરત દૂર કરી દેવામાં આવી છે. પંચે પોતાના ઓનલાઇન પોર્ટલ (ECINET) પરથી આ શરત હટાવીને ફોર્મ-6 ને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કર્યું છે. આ નિર્ણયથી પ્રથમ વખત મતદાન માટે અરજી કરતા યુવાનો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
શું હતો વિવાદ અને 'એનેક્સર-ડી' (Annexure-D)?
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા અને ઘૂસણખોરી રોકના હેતુથી SIR પ્રક્રિયા દરમિયાન વધારાનું ઘોષણાપત્ર એટલે કે 'Annexure-D' ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ, પ્રથમ વખત ફોર્મ-6 ભરતા અરજદારોએ પોતાના માતા-પિતા, દાદા-દાદી કે વરિષ્ઠ સંબંધીઓની 2000ના દાયકાની શરૂઆતની અગાઉની SIR યાદીના આધારે વિધાનસભા મતવિસ્તાર નંબર, બૂથ નંબર અને અનુક્રમ નંબર જેવી વિગતો આપવી પડતી હતી.
જ્યાં સુધી આ પારિવારિક લિંકિંગ કે મેપિંગની વિગતો ન ભરાય ત્યાં સુધી ECINET પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ સબમિટ થતું ન હતું. 2000 પછી જન્મેલા યુવા મતદારો માટે આટલા જૂના દસ્તાવેજો અને પારિવારિક રેકોર્ડ્સ એકઠા કરવા અત્યંત મુશ્કેલ બની ગયા હતા.
ચૂંટણી કમિશનરોના વાંધા બાદ પંચનો નિર્ણય
આ મુદ્દે ચૂંટણી પંચમાં જ આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હતા. પંચના બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ આ પ્રક્રિયા સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે 'રજિસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ, 1960' મુજબ વૈધાનિક ફોર્મ-6 માં કોઈપણ ફેરફાર કે સુધારો કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે (સંસદીય મંજૂરીને આધીન) છે. ચૂંટણી પંચ પોતાની રીતે ઓનલાઇન પોર્ટલ પર આવી નવી માહિતી કે દસ્તાવેજો ફરજિયાત બનાવી શકે નહીં. આ કાનૂની જટિલતા અને વિરોધ બાદ પંચે પોર્ટલ પરથી આ આવશ્યકતા પાછી ખેંચી લીધી છે.
હવે કેવી રીતે થશે નવી મતદાર નોંધણી?
હવેથી અરજદારો ઓનલાઇન કે ઓફલાઇન બંને માધ્યમથી મૂળ ફોર્મ-6 જ ભરી શકશે:
- 1) સરળ પ્રક્રિયા: નવા અરજદારોએ પોતાની મૂળભૂત વ્યક્તિગત વિગતો સાથે માત્ર ઉંમર અને રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો રહેશે.
- 2) દસ્તાવેજી બોજમાંથી મુક્તિ: માતા-પિતા કે દાદા-દાદીના જૂના મતદાર રેકોર્ડ્સ કે જૂના બૂથ નંબર સાથે જોડાવું હવે ફરજિયાત રહેશે નહીં.
- 3) SIR ચાલુ હોય તેવા રાજ્યો: આ છૂટછાટ SIR પૂર્ણ થઈ ગયેલા અને બિન-SIR રાજ્યોને લાગુ પડશે, જ્યારે જ્યાં હાલમાં SIR પ્રક્રિયા ચાલુ છે ત્યાં નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે.
