Election Commission Supreme Court Affidavit: દેશભરમાં ચાલી રહેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીઓમાં રહેલી વિસંગતતાઓ અને ખામીઓને લઈને ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India) સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ પાત્ર નાગરિકોના નામ મતદાર યાદીમાં સામેલ થાય અને યાદીમાં રહેલી કોઈપણ ક્ષતિઓને સમયસર દૂર કરવામાં આવે તે માટે પંચ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ અને સતર્ક છે.
ફરીથી 'ફોર્મ 6' ભરનારા મતદારો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં
ઘણા મતદારોમાં એવી આશંકા હતી કે જેમના નામ અગાઉની મતદાર યાદીમાં હતા, પરંતુ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ નથી, તેઓ જો ફરીથી 'ફોર્મ 6' ભરે તો 'લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950' ની કલમ 31 હેઠળ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
આ ચિંતાઓનું નિવારણ લાવતા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે:
- જે મતદારોના નામ અગાઉની યાદીમાં હતા પરંતુ વર્તમાન ડ્રાફ્ટ યાદીમાં નથી, તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહીના ડર વિના 'ફોર્મ 6' ભરીને ફરીથી અરજી કરી શકે છે.
- આ માટે માત્ર એટલી જ શરત રહેશે કે અરજદાર અન્ય કોઈ સંસદીય કે વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા ન હોવા જોઈએ અને તેમની તમામ ઘોષણાઓ કાયદા અનુસાર સાચી હોવી જોઈએ.
- વધુમાં, પંચે 'ASDD' (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અથવા ડુપ્લિકેટ) શ્રેણીમાં મુકાયેલા પાત્ર મતદારોનો સંપર્ક કરીને તેમને ફરીથી યાદીમાં સામેલ કરવા અંગેના કોર્ટના સૂચનોને પણ ધ્યાનમાં લીધા છે.
રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને જારી કરાયા નવા નિર્દેશો
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે મોટી સંખ્યામાં મતદારો અને સમગ્ર ડેટાના ડિજિટાઈઝેશનને કારણે અમુક વ્યવહારુ મુશ્કેલીઓ ઉદ્ભવી છે. આ સમસ્યાઓ ઉકેલવા માટે પંચે 6 નવેમ્બર, 2026 ના રોજ જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે ત્યાંના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEOs) ખાસ સૂચનાઓ જારી કરી છે:
1) ગણતરી ફોર્મ (Enumeration Form) જમા કરવાની સુવિધા:
મતદારો તેમના વર્તમાન રહેઠાણના સ્થળે ભરેલું 'એન્યુમરેશન ફોર્મ' ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO), આસિસ્ટન્ટ ERO અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) પાસે રૂબરૂ, પરિવારના સભ્ય મારફતે અથવા ECINET પોર્ટલ પર ઓનલાઈન ઈ-સાઈન (e-sign) દ્વારા જમા કરાવી શકે છે.
2) સ્થળાંતર ન કરનારા મતદારો માટે નિયમ:
જે મતદારો અન્યત્ર સ્થળાંતરિત થયા નથી, તેઓ સહી કરેલા 'એન્યુમરેશન ફોર્મ' સાથે એક સંક્ષિપ્ત નિવેદન (Annexure-B) રજૂ કરીને જણાવી શકે છે કે અગાઉ તેઓ આ ફોર્મ શા માટે જમા કરાવી શક્યા નહોતા.
ચૂંટણી પંચે ખાતરી આપી છે કે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવી અને કોઈપણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે તે જોવું એ પંચની બંધારણીય જવાબદારી છે.
