Election Commission of India SIR Process: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) માં કથિત અનિયમિતતાઓ અને કમિશનરો વચ્ચેના મતભેદો અંગેના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા બાદ ભારતીય ચૂંટણી પંચે (ECI) સ્થિતિ સ્પષ્ટ કરી છે. એક અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો વચ્ચે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વાંધા-વચકા અને મતભેદો હોવાના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ વિપક્ષી દળોએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં પંચે પ્રેસ નોટ જારી કરીને તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું જણાવ્યું છે.
ચૂંટણી પંચે 8 મુદ્દાઓમાં આપેલી વિગતવાર સ્પષ્ટતા:
- 1) બંધારણીય મર્યાદા અને કાર્યપદ્ધતિ: ECI એ બંધારણની કલમ 324 હેઠળ કામ કરતી બહુ-સભ્ય બંધારણીય સંસ્થા છે. લેખિત નોંધો, અવલોકનો અને તકનીકી સૂચનો એ પારદર્શિતા તથા કાયદાકીય પાલન માટેની એક સતત અને પ્રમાણભૂત પ્રક્રિયા છે.
- 2) કાયદાકીય માન્યતા: પંચના તમામ આદેશો, નિર્ણયો અને નિર્દેશો ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો અધિનિયમ, 2023’ હેઠળ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કરે છે.
- 3) કાર્યકારી પૂછપરછ અને સૂચનો: ખરડા તબક્કા દરમિયાન કમિશનરો દ્વારા કરવામાં આવતી પૂછપરછ કે સૂચનોનો હેતુ માત્ર મતદારોના અધિકારોનું રક્ષણ કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં વધુ સુધારો કરવાનો હોય છે.
- 4) સર્વસંમતિ અને વિચાર-વિમર્શ: આંતરિક ચર્ચાઓ અને ભિન્ન મંતવ્યો એ કોઈપણ સંસ્થાની નિર્ણય લેવાની સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. કમિશનરો ઉપરાંત પંચનો દરેક અધિકારી પ્રણાલી સુધારવા સૂચનો આપવા માટે અધિકૃત છે.
- 5) આંશિક ચિત્ર રજૂ કરવાનો આક્ષેપ: 10 મહિનાની માત્ર કેટલીક આંતરિક નોંધોને જ સપાટી પર લાવવી એ આંશિક ચિત્ર રજૂ કરે છે. પંચે તાજેતરમાં 40 નવી પહેલો અને સુધારાઓ અમલમાં મૂક્યા છે, જે તમામ સંપૂર્ણ આયોગની સર્વસંમતિથી જ લેવાયા હતા.
- 6) સફળ ચૂંટણી સંચાલન: પંચે તાજેતરમાં બિહાર, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મુખ્ય ચૂંટણીઓ અને તેની સંકળાયેલી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
- 7) ડિજિટલ અને સાયબર સુરક્ષા: ‘ECINet’ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ કડક સાયબર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કામ કરે છે. EROs અને DEOs કાયદા અનુસાર પોતાની નોંધણી અને નામ રદ કરવાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરે છે.
- 8) નિષ્ઠા અને પ્રતિબદ્ધતા: ભારતનું ચૂંટણી પંચ પોતાની બંધારણીય ફરજો સંપૂર્ણ પ્રામાણિકતા સાથે નિભાવવા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
શું હતો સમગ્ર વિવાદ?
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની બનેલી પીઠમાં કમિશનરો દ્વારા 10 મહિનામાં 14 વખત વાંધા નોંધાવાયા હોવાનો દાવો રિપોર્ટમાં કરાયો હતો. જોકે, પંચે સ્પષ્ટ કહી દીધું છે કે SIR સહિતના તમામ આખરી નિર્ણયો ત્રણેય કમિશનરોની મંજૂરી અને સર્વસંમતિથી જ લેવામાં આવ્યા છે.
