પેપર લીક સામે મોદી સરકાર આકરા પાણીએ: કડક કાયદાની જાહેરાત બાદ વાંગચુકે અનશન તોડ્યા, CJPનો વિરોધ યથાવત

એક તરફ સરકાર કાયદાકીય શસ્ત્રો અને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ રાજકીય ઘમાસાણ અને વિરોધ પ્રદર્શનને કારણે શૈક્ષણિક અને રાજકીય માહોલ ભારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 24 Jul 2026 07:17 AM (IST)Updated: Fri, 24 Jul 2026 07:17 AM (IST)
eet-paper-leak-law-pm-modi-announcement-fast-track-courts-education-secretary-transferred
પીએમ મોદી વીડિયો સંદેશ

PM Narendra Modi Video Message: દેશમાં સતત ગાજી રહેલા NEET સહિતના વિવિધ પરીક્ષા પેપર લીક કૌભાંડો અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઊભા થયેલા પ્રશ્નાર્થ વચ્ચે કેન્દ્ર સરકારે આકરા પગલાં લેવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે એક વિશેષ વીડિયો સંદેશ જારી કરીને પેપર લીકની ઘટનાઓ રોકવા માટે અત્યંત કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવિત બિલને કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન જ તેને સંસદમાંથી પસાર કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ભવિષ્ય સાથે થતો ઘોર અન્યાય છે. યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનાર કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશમાં પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી અને ગુનેગારોને આકરી સજા સુનિશ્ચિત કરવા માટે પ્રાથમિકતાના ધોરણે ‘ફાસ્ટ-ટ્રેક કોર્ટ’ સ્થાપવામાં આવશે. કલકત્તા, દિલ્હી, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઇકોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આ વિશેષ અદાલતો ઊભી કરવા માટે જરૂરી દિશાનિર્દેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.

સોનન વાંગચુકે પારણા કર્યા

પીએમ મોદીની આ મહત્વપૂર્ણ જાહેરાત અને ખાતરી બાદ, દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાના 27 દિવસથી ચાલી રહેલા અનશન અને ભૂખ હડતાળનો અંત આણ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ હોસ્પિટલ પહોંચીને તેમને જ્યુસ પીવડાવીને પારણાં કરાવ્યા હતા.

બીજી તરફ, વિવાદોમાં સપડાયેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને શિક્ષણ મંત્રાલયમાં પણ સરકારે મોટા ફેરબદલ કર્યા છે. NEET પેપર લીક વિવાદના પગલે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.

જોકે, સરકારના આ પગલાં છતાં વિપક્ષ અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નામના વિદ્યાર્થી/રાજકીય સંગઠનો સંતોષાયા નથી. CJP એ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. CJP ના પ્રવક્તાઓએ આક્ષેપ કર્યો હતો કે માત્ર સજા વધારવાથી પેપર લીક અટકશે નહીં, પરંતુ સિસ્ટમની જવાબદારી નક્કી કરવી જરૂરી છે. આ મુદ્દે સંગઠને શુક્રવારે દેશવ્યાપી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.