SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 17 રાજ્યોમાં શરૂ થશે મતદાર યાદી સુધારણા ઝુંબેશ, જાણો કેવી રીતે ઉમેરી શકાશે નામ

ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હાથ ધરવાની જાહેરાત કરી છે. જાણો કેવી રીતે અને ક્યારથી સુધારી શકાશે વોટર લિસ્ટ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 08:54 PM (IST)Updated: Thu, 15 Oct 2026 08:54 PM (IST)
ec-announces-voter-list-revision-in-17-states-amid-sir-row

EC Special Summary Revision: દેશમાં સ્પેસિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે ચાલતા રાજકીય ઘમાસાણ અને વિવાદો વચ્ચે ચૂંટણી પંચે (Election Commission of India) એક મોટો અને સચોટ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચ દ્વારા દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની આખરી સુધારણા માટે 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) હાથ ધરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ કવાયતનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકોના નામ ઉમેરવાનો, મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ હટાવવાનો અને ડેટામાં રહેલી ભૂલોને સુધારવાનો છે.

શું છે સુધારણા ઝુંબેશનું પૂરૂં ટાઈમટેબલ?

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ, 1 જાન્યુઆરી 2027ની પાત્રતા તારીખ (Qualifying Date)ને ધ્યાનમાં રાખીને આ રિવિઝન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે-

ડ્રાફ્ટ વોટર લિસ્ટનું પ્રકાશન: 12 નવેમ્બરથી ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવશે.

દાવા અને વાંધા રજૂ કરવાની તારીખ: 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી નાગરિકો પોતાના નામ ઉમેરવા કે સુધારવા માટે અરજી કરી શકશે.

આખરી મતદાર યાદીની જાહેરાત: તમામ વાંધા-અરજીઓના નિકાલ બાદ 4 જાન્યુઆરી 2027ના રોજ આખરી (Final) મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

SIR વિવાદ અને ચૂંટણી પંચની ચોખવટ

તાજેતરમાં દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દરમિયાન લાખો નામોમાં વિસંગતતાઓ સામે આવતા વિપક્ષી ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ પાત્ર મતદારનો હક છીનવાશે નહીં. જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે કે ચાલુ છે, તેને બાદ કરતા બાકીના 17 રાજ્યોમાં આ સ્પેશિયલ સમરી રિવિઝન ચલાવવામાં આવશે.

નાગરિકો માટે ઘરબેઠા નામ તપાસવાની તક

સામાન્ય નાગરિકો માટે ચૂંટણી પંચે BLO (બીએલઓ) કેમ્પ ઉપરાંત ડિજિટલ પોર્ટલ અને Voter Helpline App દ્વારા ઓનલાઈન સુધારા કરવાની સુવિધા પણ ખુલ્લી રાખી છે. જો કોઈ નાગરિકનું નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ગયું હોય અથવા વિગતોમાં ભૂલ હોય, તો તેઓ આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ફોર્મ-6, ફોર્મ-7 કે ફોર્મ-8 ભરીને સુધારો કરાવી શકે છે.