ફરી મુશ્કેલીમાં દિલજીતનો કોન્સર્ટ, મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલમાં લખ્યું- ખાલિસ્તાન જિંદાબાદ

દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે પોલીસ તપાસ કરી રહી છે. ધારવાડ પોલીસ કમિશનરને મળેલા ઈમેલમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા સાથે IED બ્લાસ્ટની ધમકી અપાઈ છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Tue, 24 Nov 2026 03:43 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:43 PM (IST)
diljit-dosanjh-upcoming-concert-in-bengaluru-receives-a-bomb-threat
દિલજીત દોસાંજ

Diljit Dosanjh Concert: પંજાબી સિંગર દિલજીત દોસાંજ હાલમાં સમગ્રે દેશમાં પોતાના કોન્સર્ટને લઈને ધુમ મચાવી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં દિલજીતે કોન્સર્ટ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હવે તેમનો આગામી કોન્સર્ટ બેગ્લુરુમાં છે. જોકે, આ કોન્સર્ટ પહેલા જ મુસીબત સામે આવી છે. તેમના કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે અને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આ ઈમેલ ધારવાડ પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોન્સર્ટ દરમિયાન IED બ્લાસ્ટ કરવામાં આવશે.

29 નવેમ્બરે બેંગ્લુરુનાં દિલજીતનો કોન્સર્ટ યોજાવાનો છે

તમને જણાવી દઈએ કે, 29 નવેમ્બરે બેંગ્લુરુનાં દિલજીતનો કોન્સર્ટ યોજાવાનો છે. આ પહેલા ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. મેઈલ મળ્યા બાદ બધી સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે અને આ મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરી રહી છે. આ મેઈલમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા છે. સાથે NICE મેદાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો તમે આઈફોન યુઝર છો તો કોન્સર્ટ દરમિયાન કોઈ કોલ આવે તો ન ઉઠાવવો અને જો તમે કોન્સર્ટમાં જાવ છો તો બાળકોને સાથે ન રાખો. આ ઉપરાંત મેઈલકર્તાએ મેટ્રોમાં સફર ન કરવા પણ ધમકી આપી છે.

પોલીસે શરુ કરી તપાસ

જોકે, આ ધમકી બાદ કોન્સર્ટ કેન્સલ થવા અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે આ મેઈલ મોકલવાનો સાચો ઉદેશ્ય શું છે. શું કોઈ મોટી સંગઠીત ગેંગ આની પાછળ છેકે કોઈ યુવકે માત્ર ટીખળી કરી છે. પરંતુ પોલીસ આ મામલાને કોઈ હળવાસથી લેવા માગતી નથી અને દરેક એંગલથી તપાસ કરી રહી છે.

દિલ્હીમાં મળી હતી ધમકી

જોકે, આ પહેલીવાર નથી જ્યારે દિલજીતના શોને લઈને ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ ધમકી મળી ચૂકી છે. સૌથી પહેલા આ જ વર્ષે દિલ્હીમાં યોજાનાર કોન્સર્ટમાં પણ બોમ્બ ધડાકા કરવાના ઈનપુટ પોલીસને મળ્યા હતા. જે બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોન્સર્ટની પરવાનગી આપવામાં આવી નહોતી. આ ધમકીમાં બાળકોને કોન્સર્ટમાં ન જવાની વાત પણ કરવામાં આવી હતી.

ઈન્દોરમાં પણ મળી હતી ધમકી

ત્યાર બાદ 15 નવેમ્બરે યોજાનાર કોન્સર્ટ પહેલા ત્રણ સ્કુલ અને મેયરના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહોતી. તમને જણાવી દઈએ કે, બેગ્લુરુ કોન્સર્ટને ઉડાવી દેવાની ધમકી એવા સમયે આવી છે જ્યારે અમદાવાદમાં યોજાયેલા દિલજીતના કોન્સર્ટમાં ફોન ચોરી કરતી ગેંગના બે સભ્યોનો પોલીસે ઝડપી પાડ્યા છે. સૌથી ચોંકાવનારી વાત છે કે આ બન્ને લોકોએ મોંઘી ગોલ્ડ કેટેગરીની ટિકિટ ખરીદી હતી. તેમના નિશાને કોન્સર્ટમાં આવતા પ્રિમિયમ લોકો હતા.