Dhanraj Nathwani Samajwadi Party Candidate: ઉત્તર પ્રદેશમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સમાજવાદી પાર્ટીએ રિલાયન્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ ધનરાજ નથવાણીને પોતાના રાજ્યસભા ઉમેદવાર બનાવીને એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લીધો છે. ધનરાજ નથવાણીએ યુપીથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. તેઓ NDA રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના પુત્ર છે. પિતા એનડીએ તરફથી સાંસદ અને પુત્ર સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉમેદવાર બનતા દેશ અને યુપીના રાજકારણમાં એક અત્યંત રસપ્રદ ચિત્ર ઉપસી આવ્યું છે.
પિતા ઝારખંડથી સાંસદ, પુત્ર યુપીથી મેદાનમાં
ધનરાજ નથવાણીના પિતા પરિમલ નથવાણી પોતે પણ રાજ્યસભાના સભ્ય છે અને થોડા મહિનાઓ પહેલા જ ઝારખંડથી ચૂંટાઈને રાજ્યસભા પહોંચ્યા છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન પરિમલ નથવાણીએ કન્ફર્મ કર્યું હતું કે, તેમના પુત્ર ધનરાજ નથવાણીએ યુપીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
ધનરાજ નથવાણી વ્યાપારી ઘરાના સાથે સક્ષમ ઓળખ ધરાવે છે અને રમતગમત પ્રશાસનમાં પણ મોટું નામ ધરાવે છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ વર્ષ 2022 માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નિર્માણમાં પણ તેમની અગત્યની ભૂમિકા રહી છે. આ ઉપરાંત તેઓ શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન પણ છે.
યુપીમાં રાજ્યસભાનું ગણિત: સપાનો ત્રીજો દાવ
ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના ધારાસભ્યોની સંખ્યાના આધારે ભાજપ (NDA) ને 8 અને સપાને 2 બેઠકો મળવી નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ અખિલેશ યાદવે 3 બેઠકો પર ઉમેદવારો ઉતારીને ચૂંટણીને ત્રિપાંખિયા જંગ તરફ ધકેલી દીધી છે.
- જીત માટે જરૂરી મતો: યુપી વિધાનસભામાં હાલ 396 ધારાસભ્યો કાર્યરત છે. ફોર્મ્યુલા અનુસાર જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડશે.
- સપાનો પક્ષ: સપા પાસે હાલ 99 સક્રિય ધારાસભ્યો છે (એક જેલમાં હોવાથી). 2 બેઠકો જીત્યા બાદ ત્રીજી બેઠક માટે સપાને વધુ 12 મતોની જરૂર પડશે.
- ભાજપનો પક્ષ: ભાજપને પણ તેના 8મા ઉમેદવારને જીતાડવા માટે વધારાના 6 મતોની જરૂરિયાત રહેશે.
ધનરાજ નથવાણીનો પરિચય
5 ફેબ્રુઆરી 1986 ના રોજ મુંબઈમાં જન્મેલા ધનરાજે લંડનની રેજન્ટ્સ બિઝનેસ સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી MBA ની ડિગ્રી મેળવી છે. તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ, દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ગ્રુપના અગ્રણી અધિકારી.
સમાજવાદી પાર્ટી દ્વારા ધનરાજ નથવાણી જેવા અગ્રણી ઉદ્યોગપતિ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટરને મેદાનમાં ઉતારવાથી ક્રોસ વોટિંગ અને બીજી-ત્રીજી પસંદગીના મતોની ગણતરી અત્યંત રસપ્રદ બની રહેશે.
