US-Iran War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો ભીષણ સૈન્ય સંઘર્ષ હવે કોમર્શિયલ શિપિંગ અને સમુદ્રી માર્ગે નોકરી કરતા સામાન્ય કર્મચારીઓ માટે કાળ સાબિત થઈ રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે ખાડી (Gulf) વિસ્તારમાં ગત 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 13 ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 3 નાવિકો હજુ પણ લાપતા છે. આ અંગે ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
'ઓપરેશન એપિક ફ્યુરી' અને તણાવની શરૂઆત
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં આ સંકટ ત્યારે વધુ ઘેરૂ બન્યું જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ સાથે મળીને 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) હેઠળ ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી. આ હુમલાના જવાબમાં તેહરાને (ઈરાન) પણ જવાબી મિસાઈલ હુમલા કર્યા, જેણે હવે એક મોટા પ્રાદેશિક યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
આ લડાઈની સૌથી માઠી અસર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર પડી છે, જે વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ એનર્જી શિપિંગ રૂટ ગણાય છે. ઈરાન દ્વારા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને બ્લોક કરવાના પ્રયાસો અને માલવાહક જહાજો પર થઈ રહેલા હુમલાઓએ વૈશ્વિક વેપારની સાથે નાવિકોની સુરક્ષા સામે પણ મોટો ખતરો ઊભો કર્યો છે.
ભારતીય જહાજો પર હુમલો: વિદેશ મંત્રાલયનો ખુલાસો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તાજેતરમાં જ બે કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલામાં ભારતીય કર્મચારીઓ ભોગ બન્યા છે, જેનાથી નવી દિલ્હી અત્યંત ચિંતિત છે.
તેમણે વધુમાં કહ્યું કે- જે બે જહાજો પર હુમલો થયો તેમાં કુલ 30 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. એક જહાજ જેમાં 12 ભારતીયો હતા, તેમાંથી એક નાવિકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા જહાજ પર 18 ભારતીયો સવાર હતા, જેમાંથી 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને બેની હાલત નાજુક છે.
ભારતની આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
ભારતે સ્પષ્ટ શબ્દોમાં માગ કરી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી જહાજોની અવરજવર સુરક્ષિત અને કોઈ પણ અવરોધ વિનાની હોવી જોઈએ. આ વૈશ્વિક આર્થિક સ્થિરતા અને ઉર્જા સુરક્ષા માટે અનિવાર્ય છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે સામાન્ય નાગરિકો અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું તાત્કાલિક બંધ થવું જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ મુક્ત વ્યાપાર પુનઃ શરૂ થઈ શકે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે અમેરિકા ઈરાન પરના તમામ પ્રતિબંધો ફરી લાગુ કરી રહ્યું છે અને હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને સુરક્ષા આપવાના બદલામાં 20 ટકા ફી વસૂલશે, જેના કારણે આગામી દિવસોમાં આ દરિયાઈ માર્ગ પર તણાવ હજુ વધવાની આશંકા છે.
