Delhi Building Collapse: રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં સોમવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જૂની ત્રણ માળની ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું અને કાટમાળ નીચે અન્ય ફસાયેલા લોકોને શોધવા માટે ફાયર બ્રિગેડ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
નવીનીકરણનું કામ બન્યું કાળ: માલિક સામે BNS હેઠળ FIR
મળતી માહિતી મુજબ, આ ઇમારતનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) એકોમોડેશન તરીકે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં એવો આરોપ સામે આવ્યો છે કે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર અને બેદરકારીપૂર્વક નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઇમારતનું માળખું નબળું પડી ગયું અને આખી ઇમારત ધડાકાભેર તૂટી પડી.
આ ઘટના સંદર્ભે સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ઇમારતના કથિત માલિક હરિરામ અને અન્ય જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105, 290 અને 125(a) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે.
મેજિસ્ટ્રેટ તપાસના આદેશ અને AIIMS ની મુલાકાત
દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રારંભિક સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચિમકી આપી છે કે આ ગંભીર ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
દુર્ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક AIIMS ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે કાટમાળમાંથી ઉગારાયેલા ઘાયલોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને ડોકટરો તથા આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ તબીબી ટીમને તમામ ઘાયલોને તાત્કાલિક, મફત અને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવા અને સારવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવાની સખત સૂચનાઓ આપી હતી.
