Delhi Metro Disruption CJP Protest: દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હીમાં મેટ્રો અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ આદેશ હોવા છતાં ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ રાખવામાં આવતા, શનિવારે સુપ્રીમ કોર્ટમાં સંબંધીત ઉચ્ચ અધિકારીઓ સામે કોર્ટના અવમાનની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
આ અરજી એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિતના અન્ય જવાબદાર અધિકારીઓને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. અરજીમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે 9 ઓક્ટોબરના રોજ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હોવા છતાં, તંત્ર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં મેટ્રો સ્ટેશનો બંધ રાખવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ વલણને કારણે દિલ્હીના લાખો મુસાફરો અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો કડક વલણ
ઉલ્લેખનીય છે કે, આ મામલે ચીફ જસ્ટિસ (CJI) સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા હતા કે CJPના વિરોધ પ્રદર્શનને કારણે 10 ઓક્ટોબરે દિલ્હી આવતી-જતી મેટ્રો અને અન્ય ટ્રેનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરક્ષાના નામે સમગ્ર દિલ્હીના વાહનવ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ઠપ્પ કરી શકાય નહીં.
હવે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ સ્ટેન્ડ છતાં ટ્રેન સેવાઓ ખોરવાઈ જતાં દાખલ થયેલી આ અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટ આગામી દિવસોમાં શું કડક પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
