દિલ્હીના જંતર-મંતર પર બબાલ: 700થી વધુ વિરોધકર્તાઓની અટકાયત, 12 મેટ્રો સ્ટેશનો અને ઇન્ટરનેટ સેવાઓ બંધ

જંતર-મંતર પર યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતાઓ ઉપરાંત વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 02 Oct 2026 03:48 PM (IST)Updated: Fri, 02 Oct 2026 03:48 PM (IST)
delhi-jantar-mantar-protest-detained-700-metro-stations-closed-internet-suspended
દિલ્હીમાં જંતર-મંતર

Delhi Jantar Mantar Protest: દિલ્હીમાં જંતર-મંતર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોટો વિરોધ પ્રદર્શિત થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. SIR મુદ્દા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને હટાવવાની માંગ સાથે યોજાયેલા પ્રસ્તાવિત આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પ્રદર્શન કરી રહેલા આશરે 700થી વધુ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવી દિલ્હી જિલ્લામાં BNSની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવાયા છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનો રોડ પર

જંતર-મંતર પર યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતાઓ ઉપરાંત વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જોકે, પોલીસે વિરોધ સ્થળે પહોંચેલા AAP નેતાઓ સહિત તમામ વિરોધકર્તાઓની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી અને તેમને બસોમાં બેસાડીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આખા નવી દિલ્હી વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

12 મેટ્રો સ્ટેશનો બંધ અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

વિરોધ પ્રદર્શન વધે નહીં તે માટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લીધાં છે. સેન્ટ્રલ સચિવાલય, પટેલ ચોક, મંડી હાઉસ, જનપથ અને બરાખંબા રોડ સહિત કુલ 12 મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે એન્ટ્રી અને એક્ઝિટ આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અફવાઓ ફેલાતી અટકાવવા માટે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે.

પોલીસ જવાનો ઘાયલ: પરિસ્થિતિ વણસતાં સુરક્ષા સઘન

નવી દિલ્હીના DCP સચિન શર્માએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "સ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી છે અને અમે સમગ્ર પરિસ્થિતિનું સતત આંકલન કરી રહ્યા છીએ." બીજી તરફ, CJP ના કાર્યકર્તા વિજેતા દહિયાએ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, "અમને ક્યાંય પણ પ્રદર્શન કરવા દેવામાં આવતું નથી. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર એ મત આપવાના અધિકાર સાથે સીધો જોડાયેલો છે."

સરકાર અને પોલીસ તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજીને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ 12 જેટલા મેટ્રો સ્ટેશનો બંધ રહેતા દિલ્હીના સામાન્ય વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.